હિટ એન્ડ રન કેસમાં વન વિભાગની મોટી સફળતા: દીપડાના મોત મામલે વડોદરાનો કાર ચાલક ઝડપાયો

જાફરાબાદ 13 માર્ચ 2026: ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર વન્યજીવોના અકસ્માતની વધતી ઘટનાઓને રોકવા માટે વન વિભાગ હવે લાલ આંખ કરી રહ્યું છે. ગત ૨૬ જાન્યુઆરીના રોજ જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ પાસે એક અજાણ્યા વાહનની ટક્કરથી દીપડાનું મોત નીપજ્યું હતું. આ મામલે વન વિભાગે ટેકનિકલ સર્વેલન્સની મદદથી હિટ એન્ડ રન કરનાર વડોદરાના ચાલકને દબોચી લીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
પ્રજાસત્તાક પર્વ એટલે કે ૨૬ જાન્યુઆરીની રાત્રે બાલાનીવાવ નજીક નેશનલ હાઇવે પસાર કરી રહેલા એક દીપડાને પૂરપાટ ઝડપે આવતા વાહને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં દીપડાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે વાહન ચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. વન વિભાગને જાણ થતા તુરંત કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ બન્યા મદદરૂપ
આ કેસમાં કોઈ પ્રત્યક્ષ સાક્ષી ન હોવા છતાં, જાફરાબાદ વન વિભાગે હિંમત હાર્યા વગર હાઇવે પરના વિવિધ ટોલ પ્લાઝા અને ખાનગી સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. વન વિભાગની ટીમે ઝીણવટભરી તપાસ અને વાહનોના ડેટા એનાલિસિસના આધારે શંકાસ્પદ કારને ટ્રેસ કરી હતી. તપાસના અંતે માલુમ પડ્યું કે આ અકસ્માત વડોદરા શહેરના જોય થેવાલીયમ નામના ઈસમની કાર દ્વારા થયો હતો.
વન વિભાગ એક્શન મોડમાં
આરોપીની ઓળખ થયા બાદ વન વિભાગે તુરંત તેને હાજર થવા માટે કાયદેસરની નોટિસ ફટકારી હતી. અંતે, વન વિભાગે જવાબદાર કાર ચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, દીપડો એ શિડ્યુલ-૧નું પ્રાણી છે અને તેના શિકાર કે અકસ્માત મામલે કાયદામાં કડક સજાની જોગવાઈ છે.
વાહનચાલકો માટે ચેતવણી
અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના હાઇવે પર વન્યજીવોની અવરજવર વધુ હોય છે. વન વિભાગે અપીલ કરી છે કે વન્યજીવ કોરિડોર પરથી પસાર થતી વખતે વાહનની ગતિ મર્યાદિત રાખવી જોઈએ. આ સફળ ઓપરેશનથી અન્ય બેદરકાર વાહનચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: Android યૂઝર્સ માટે સારા સમાચાર: Googleની નવી ટેકનિકથી સુપરફાસ્ટ બનશે તમારો સ્માર્ટફોન












