જોખમી સ્ટંટ કરવો પડ્યો ભારે: ફિલ્મના શૂટિંગમાં ફેમસ સ્ટંટમેન રાજુએ જીવ ગુમાવ્યો

HD ન્યૂઝ, 14 જુલાઈ, 2025: દક્ષિણ ભારતીય ફિલ્મ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્દર્શક પા. રણજીત અને અભિનેતા આર્યની આગામી ફિલ્મ ‘વેત્તુવમ’ના સેટ પર એક ગંભીર અકસ્માત થયો છે, જેમાં જાણીતા સ્ટંટમેન રાજુ ઉર્ફે મોહનરાજનું દુઃખદ અવસાન થયું છે. નાગાપટ્ટિનમમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે 13 જુલાઈના રોજ આ દુર્ઘટનાએ ફિલ્મયુદ્ધમાં સૌને હચમચાવી દીધા છે.
જાણો સમગ્ર ઘટના
ડિરેક્ટર પા. રણજીત નાગપટ્ટિનમ તેમની નવી ફિલ્મ ‘વેત્તુવમ’નું શૂટિંગ કરી રહ્યા હતા. સેટ પર સ્ટંટ કરતી વખતે એક મોટો અકસ્માત થયો, જેમાં સ્ટંટમેનનું મોત નીપજ્યું. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પરંતુ હવે સેટ પરથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે ખતરનાક સ્ટંટ કરતી વખતે મોટો અકસ્માત થયો. જેમાં સ્ટંટમેન રાજુ ઉર્ફે મોહનરાજ એક SUV ચલાવી રહ્યો હતો જે રેમ્પ પરથી પસાર થઈ અને પછી પલટી ગઈ. કાર સીધી નીચે પડી ગઈ અને તેનો આગળનો ભાગ જોરદાર ધડાકા સાથે જમીન પર અથડાયો. વીડિયોમાં રાજુને કારમાંથી બહાર કાઢતા જોઈ શકાય છે. આ અકસ્માત 13 જુલાઈના રોજ થયો હતો. અકસ્માત દરમિયાન તેનું મૃત્યુ થયું.
આ દુ:ખદ ઘટનાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હચમચાવી નાખી છે. ઘણા મોટા સ્ટાર્સ અને ચાહકો સ્ટંટમેન રાજુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પરંતુ ફિલ્મના હીરો આર્યા અને દિગ્દર્શક પા. રણજીતે હજુ સુધી આ અકસ્માત અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.












