ફિલ્મ ‘રામાયણ’ ની રિલીઝ પહેલાં જ ધૂમ: ઓવરસીઝ એડવાન્સ બુકિંગમાં ₹7.34 કરોડથી વધુનું કલેક્શન

Ramayana Advance Booking Collection: ડાયરેક્ટર નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલાં જ વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. ભારતીય દર્શકોની સાથે વિદેશોમાં પણ આ ફિલ્મ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓવરસીઝ માર્કેટમાં ફિલ્મનું ધમાકેદાર એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. પ્રાપ્ત આંકડા અનુસાર, ફિલ્મે રિલીઝ પહેલાં જ વિદેશી બજારોમાં એડવાન્સ બુકિંગથી ₹7.34 કરોડ (આશરે $1.2 મિલિયન) થી વધુની કમાણી કરી લીધી છે. ‘ફિલ્મ્સડિસ્કોર્સ’ ના ડેટા મુજબ, યુએસ, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ફિલ્મને લઈને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
ઉત્તર અમેરિકામાં સૌથી વધુ ક્રેઝ
ફિલ્મના વિદેશી એડવાન્સ બુકિંગમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા સૌથી આગળ છે, ત્યારબાદ યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે. રિપોર્ટ અનુસાર, એકલા ઉત્તર અમેરિકામાંથી જ ફિલ્મને આશરે ₹5.31 કરોડનું બમ્પર એડવાન્સ બુકિંગ મળ્યું છે, જે ફિલ્મના કુલ વિદેશી એડવાન્સ બુકિંગના આશરે 72 ટકા જેટલું થાય છે. આ ઉપરાંત, બ્રિટનમાં આશરે ₹1.34 કરોડ અને ઓસ્ટ્રેલિયામાં લગભગ ₹69 લાખનું એડવાન્સ બુકિંગ નોંધાયું છે, જે દર્શાવે છે કે વિદેશી માર્કેટમાં પણ ભારતીય સંસ્કૃતિ આધારિત આ ફિલ્મનો ભારે દબદબો છે.
અમેરિકામાં પ્રીમિયર શો માટે હજારો ટિકિટો વેચાઈ
‘રામાયણ’ ફિલ્મનું બુધવાર, 4 નવેમ્બરના રોજ અમેરિકામાં સ્પેશિયલ પ્રીમિયર યોજાવા જઈ રહ્યું છે. અહેવાલો મુજબ, ત્યાં પ્રીમિયર શો માટે અત્યાર સુધીમાં આશરે 10,800 ટિકિટો વેચાઈ ચૂકી છે. આ ટિકિટોના વેચાણથી જ માત્ર અમેરિકામાંથી આશરે ₹2 કરોડની આવક થઈ ગઈ છે. જો કેનેડાના આંકડા પણ ઉમેરવામાં આવે તો ઉત્તર અમેરિકામાં પ્રીમિયર શોનું જ એડવાન્સ બુકિંગ ₹2.37 કરોડને પાર પહોંચી ગયું છે. અમેરિકામાં પ્રીમિયર ટિકિટની સરેરાશ કિંમત ₹1,850 જેટલી છે, જે સૂચવે છે કે દર્શકો IMAX અને 3D જેવા પ્રીમિયમ ફોર્મેટમાં ફિલ્મ જોવા ભારે રસ દાખવી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓપનિંગ ડે માટે પણ ઓવરસીઝ માર્કેટમાં જંગી બુકિંગ
ફિલ્મની સત્તાવાર રિલીઝના પહેલા દિવસે એટલે કે ગુરુવાર, 5 નવેમ્બરના રોજ માટે પણ વિદેશમાં વિદેશી ચાહકોએ ટિકિટો બુક કરાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સહિત ત્રણ મોટા બજારોમાંથી પ્રથમ દિવસ માટે આશરે ₹1.53 કરોડનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. જેમાં અમેરિકાનું યોગદાન ₹67 લાખ અને બ્રિટનનું યોગદાન ₹60 લાખ જેટલું નોંધાયું છે. બંને દેશોમાં ટિકિટ વેચાણના આંકડા અત્યંત નજીક છે. બીજી તરફ, ભારતીય ચાહકો માટે ખુશખબર એ છે કે ભારતમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ મંગળવાર, 20 ઓક્ટોબરથી સત્તાવાર રીતે શરૂ થવાનું છે.
આ પણ વાંચો: બોલીવૂડ પર ફરી અંડરવર્લ્ડનો ખતરો? રાકેશ રોશનથી ટાઈગર શ્રોફ સુધી, ગોળીબારની ઘટનાઓએ ઊભા કર્યા સવાલ












