ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસઃ નેપાળ ભાગવાની તૈયારીમાં હતા શૂટર્સ, પોલીસે જાળ બિછાવી 15 મિનિટમાં પકડ્યા

Tiger Shroff Firing Case: બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ગોળીબારના કેસમાં મુંબઈ અને રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે. હુમલા બાદ ટ્રેન મારફતે ભાગી રહેલા ત્રણ શંકાસ્પદોને રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ દિલ્હી થઈને નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. જોકે મુંબઈ પોલીસે આપેલી ચોક્કસ માહિતીને આધારે કોટા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તેમનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. ઝડપાયેલા ત્રણ શંકાસ્પદોમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે.
માત્ર 15 મિનિટમાં પોલીસે ત્રણ શંકાસ્પદોને ઝડપી પાડ્યા
કોટાના પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે સોમવારે સવારે આશરે 9:45 વાગ્યે મુંબઈ પોલીસ તરફથી ત્રણ શંકાસ્પદો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. આ માહિતી મળતાં જ ડીએસપી, સાયબર સેલ અને સ્થાનિક પોલીસની ટીમને સક્રિય કરવામાં આવી હતી. પોલીસે રેલવે સ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર નજર રાખી હતી. ત્યારબાદ પુણે-જયપુર એક્સપ્રેસના જનરલ કોચમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે માત્ર 15 મિનિટમાં સમગ્ર કાર્યવાહી માટે જરૂરી ઘેરાબંધી ગોઠવી હતી.
દિલ્હી થઈને નેપાળ ભાગવાની હતી તૈયારી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે શંકાસ્પદોએ મુંબઈમાં ગોળીબારની ઘટના બાદ તરત જ શહેર છોડવાની યોજના બનાવી હતી. તેઓ ટ્રેન મારફતે દિલ્હી પહોંચ્યા બાદ નેપાળ ભાગવા માંગતા હતા. જોકે, આરોપીઓ કોટા પહોંચે તે પહેલાં જ મુંબઈ પોલીસે રાજસ્થાન પોલીસ સાથે માહિતી શેર કરી દીધી હતી. પરિણામે તેઓ આગળ ભાગવામાં સફળ થયા નહોતા.
કોણ છે ઝડપાયેલા શંકાસ્પદ આરોપીઓ?
કોટા પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલા શંકાસ્પદોમાં હરિયાણાના સોનીપતનો રહેવાસી રેહાન ઉર્ફે સુક્કા અને બિહારના બેગુસરાયનો ઋતિક કુર્મી ઉર્ફે રોશનનો સમાવેશ થાય છે. ત્રીજો શંકાસ્પદ સગીર છે. પ્રાથમિક તપાસમાં રેહાનની આ સમગ્ર ઘટનાના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર રેહાન કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અનિલ પંડિતના સંપર્કમાં હતો. આ સંપર્ક અને હુમલા પાછળના વાસ્તવિક હેતુ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આરોપીઓ પાસેથી હજુ સુધી કોઈ હથિયાર મળ્યું નથી
પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે ઝડપાયેલા શંકાસ્પદો પાસેથી હજુ સુધી કોઈ હથિયાર મળી આવ્યું નથી. હવે પૂછપરછ દરમિયાન ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો ક્યાં છુપાવવામાં આવ્યા અથવા કોને સોંપવામાં આવ્યા તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. શંકાસ્પદોને મુંબઈ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
18 ઓક્ટોબરે ટાઈગર શ્રોફની કાર પર થયો હતો ગોળીબાર
18 ઓક્ટોબર 2026ની સાંજે મુંબઈના જૂહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફની કાર પર મોટરસાઇકલ સવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ટાઈગર શ્રોફનો જીવ બચી ગયો હતો. જોકે તેમના ડ્રાઇવર અને એક અન્ય વ્યક્તિને ઈજા થઈ હતી. હુમલા બાદ મુંબઈ પોલીસે સીસીટીવી ફૂટેજ, ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને ટેક્નિકલ માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે હુમલાનું કનેક્શન?
ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર થયા બાદ સોશિયલ મીડિયા પર એક કથિત પોસ્ટ સામે આવી હતી, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે હુમલાની જવાબદારી લેવામાં આવી હતી. આ પોસ્ટમાં સલમાન ખાન સાથે કામ કરનારા ફિલ્મી કલાકારોને પણ ચેતવણી આપવામાં આવી હતી. જોકે આ દાવાની સત્યતા અંગે તપાસ ચાલુ છે. પોલીસ હવે ઝડપાયેલા શંકાસ્પદોની પૂછપરછ કરીને હુમલામાં અન્ય કોણ સંકળાયેલું છે અને આ ઘટનાનું આયોજન કોણે કર્યું હતું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.












