ટ્રેન્ડિંગનેશનલમીડિયાસાયન્સ એન્ડ ટેકનોલોજી

BMW અને સ્કોડા સહિત યુરોપિયન કારો થઈ શકે સસ્તી, ભારત EU સાથેની ટ્રેડ ડીલમાં ટેરિફમાં 70% સુધી ઘટાડો કરી શકે

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026:  ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે 27 જાન્યુઆરીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થવાની મજબૂત શક્યતા છે. ગણતંત્ર દિવસના અવસર પર EUના બે વરિષ્ઠ નેતાઓ ભારતના મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા છે. યુરોપિયન કમિશનની અધ્યક્ષા ઉર્સુલા વોન ડેર લેને આ સંભવિત કરારને “મદર ઓફ ઓલ ડીલ” ગણાવ્યો છે.

આ ટ્રેડ ડીલ અંતર્ગત ભારત યુરોપમાંથી આયાત થતી કારો પર લાગતા ભારે ટેરિફમાં મોટી કપાત કરવાની તૈયારીમાં છે. જો આવું થાય, તો મર્સિડીઝ-બેન્ઝ, BMW અને સ્કોડા જેવી યુરોપિયન કારોની કિંમતો ભારતીય બજારમાં નોંધપાત્ર રીતે ઘટી શકે છે.

ટેરિફમાં 70 ટકા સુધી ઘટાડાની તૈયારી

રોયટર્સના અહેવાલ અનુસાર, ભારત યુરોપિયન યુનિયનમાંથી આયાત થતી કારો પર લાગતો ટેરિફ હાલના 110 ટકા પરથી ઘટાડીને 40 ટકા કરવા પર સંમત થયું છે. આવનારા સમયમાં આ ટેરિફ વધુ ઘટીને 10 ટકા સુધી લાવવામાં આવી શકે છે. મોદી સરકાર 13.5 લાખ રૂપિયાથી વધુ કિંમત ધરાવતી કારો પર તાત્કાલિક ટેક્સ કટોટી માટે તૈયાર હોવાનું માનવામાં આવે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી વોક્સવેગન, મર્સિડીઝ-બેન્ઝ અને BMW જેવી વૈશ્વિક કાર ઉત્પાદક કંપનીઓ માટે ભારતીય બજાર વધુ ખુલ્લું બનશે.

ઇલેક્ટ્રિક વાહનોને બહાર રાખવામાં આવ્યા

દેશની સ્થાનિક ઓટોમોબાઇલ ઉદ્યોગને સુરક્ષા આપવા માટે ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહનો (EV)ને શરૂઆતના પાંચ વર્ષ માટે આ ટેરિફ ઘટાડાની જોગવાઈથી બહાર રાખ્યા છે. જાણકારો કહે છે કે ભારત હાલ દુનિયાનો ત્રીજો સૌથી મોટો કાર માર્કેટ છે, છતાં અહીં આયાત શુલ્ક વિશ્વમાં સૌથી વધુ છે.

ભારત સંપૂર્ણ રીતે બનેલી આયાતી કારો પર ઊંચી ઇમ્પોર્ટ ડ્યૂટી વસૂલે છે, જેનો હેતુ સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો અને ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવાનો છે. તેથી, ટેરિફમાં થનારી મોટી કપાતનો ઓટો સેક્ટર, ટ્રેડ સંબંધો અને ભારત-EU વચ્ચેના ભવિષ્યના રોકાણ પ્રવાહ પર વ્યાપક અસર પડી શકે છે.

દાવોસમાં EU અધ્યક્ષાનું નિવેદન

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, દાવોસમાં સંબોધન કરતી વખતે યુરોપિયન કમિશનની અધ્યક્ષા ઉર્સુલા વોન ડેર લેને કહ્યું હતું કે EU ભારત સાથે ટ્રેડ ડીલ સાઇન કરવાની બહુ નજીક છે. આ કરારથી 27 દેશોના EU ગઠબંધનને “ફર્સ્ટ મૂવર એડવાંટેજ” મળશે.

તેમણે કહ્યું, “દાવોસ સમ્મેલન બાદ હું ભારત જઈ રહી છું. હજુ થોડું કામ બાકી છે, પરંતુ અમે એક ઐતિહાસિક ટ્રેડ એગ્રીમેન્ટના કિનારે છીએ.” તેમણે ભારત સાથે થનારી આ સંભવિત ડીલને “મદર ઓફ ઓલ ડીલ” તરીકે સંબોધી હતી.

વૈશ્વિક GDPનો મોટો હિસ્સો

EU અધ્યક્ષાએ જણાવ્યું કે ભારત સાથે થનારો FTA વૈશ્વિક GDPના લગભગ ત્રણ ચોથા હિસ્સાને આવરી લેશે. આ કરારથી યુરોપને દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અને ગતિશીલ પ્રદેશોમાંથી એક સાથે વેપારમાં વિશેષ લાભ મળશે.

તેમણે ઉમેર્યું કે આ ડીલ પૂર્ણ થતાં ભારત અને EU માટે લગભગ 200 કરોડ વસ્તી ધરાવતો વિશાળ બજાર ખુલશે, જે બંને પક્ષો માટે વેપાર અને રોકાણની દ્રષ્ટિએ ઐતિહાસિક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : અમેરિકામાં મોટો વિમાન અકસ્માત: મૈનેના બાંગોર એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન ખાનગી જેટ ક્રેશ થયું

Back to top button