જેફરી એપ્સટીન ફાઇલમાંથી ટ્રમ્પનું નામ ગાયબ, પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની અનેક તસવીરો વાયરલ

અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) એ જેફરી એપ્સટીન સાથે જોડાયેલા લાખો પાનાંના દસ્તાવેજો જાહેર કર્યા છે. આ ફાઇલોમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનો અનેક વખત ઉલ્લેખ થાય છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ગાયબ છે. દસ્તાવેજોમાં તપાસ સંબંધિત માહિતી, તસવીરો અને 1,200થી વધુ પીડિતોની ઓળખ સામે આવી છે.

ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લાંશે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા નક્કી કરેલી સમયમર્યાદા હેઠળ શુક્રવારે કેટલાક લાખ દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે અને આવતા અઠવાડિયાઓમાં વધુ ફાઇલ્સ જાહેર કરવામાં આવશે. જાહેર કરાયેલ ફાઇલોમાં એપ્સટીન સાથે સંકળાયેલી અનેક કાયદા અમલ એજન્સીની તપાસ, તસવીરો અને દસ્તાવેજો સામેલ છે.
એક તસવીરમાં બિલ ક્લિન્ટનને ગિસ્લેન મેક્સવેલ સાથે સ્વિમિંગ પૂલમાં જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં ક્લિન્ટન પોપ સ્ટાર માઈકલ જેક્સન સાથે નજર આવે છે. આ તસવીરમાં સુપ્રીમ્સની ગાયિકા ડાયના રોસ પણ હાજર છે.

આ દસ્તાવેજોમાં ટ્રમ્પનું નામ ન હોવું ખાસ ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં એપ્સટીન સાથે તેમના સામાજિક સંબંધોના રેકોર્ડ અગાઉ સામે આવી ચૂક્યા છે. ફેબ્રુઆરીમાં જાહેર થયેલા શરૂઆતના દસ્તાવેજોમાં ટ્રમ્પનું નામ એપ્સટીનના ખાનગી વિમાનની ફ્લાઇટ લોગ્સમાં નોંધાયેલું હતું.

રાજકીય દબાણ બાદ, ટ્રમ્પે 19 નવેમ્બરે એક કાયદા પર સહી કરી હતી, જેના હેઠળ ન્યાય વિભાગને એપ્સટીન સાથે જોડાયેલા મોટા ભાગના દસ્તાવેજો 30 દિવસની અંદર જાહેર કરવા ફરજિયાત બનાવવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસે આ પગલાને પ્રશાસનની સૌથી પારદર્શક કાર્યવાહી ગણાવી છે. વ્હાઇટ હાઉસની પ્રવક્તા એબિગેલ જેક્સને કહ્યું કે ટ્રમ્પ પ્રશાસને એપ્સટીનના પીડિતો માટે ડેમોક્રેટ્સ કરતાં ઘણું વધારે કર્યું છે.
બીજી તરફ, બિલ ક્લિન્ટનના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે આ તપાસ ક્લિન્ટન વિરુદ્ધ નથી. તેમણે કહ્યું કે 20 વર્ષ જૂની ધૂંધળી તસવીરો જાહેર કરવાથી સત્ય બદલાતું નથી.

ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, આ ફાઇલ્સની સમીક્ષા દરમિયાન એપ્સટીન અથવા તેમના પરિવાર સાથે જોડાયેલા 1,200થી વધુ પીડિતોની ઓળખ થઈ છે. પીડિતોના વકીલોથી નામ શેર કરવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ આ આંકડો સામે આવ્યો.
આ પણ વાંચો: ચા અને બિસ્કિટનો શોખ ભારે પડ્યો: સુરતમાં પત્નીની હત્યા કરી 8 વર્ષથી ફરાર આરોપી આ એક આદતથી ઝડપાયો












