મિત્રતામાં પડી તિરાડ? ટ્રમ્પથી નારાજ થયા ઈલોન મસ્ક, કહ્યું- ‘હું નિરાશ છું…’
અમેરિકા, 28 મે, 2025ઃ Elon Musk criticize Donald Trump bill, ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે બીજીવાર અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખનું પદ સંભાળ્યું ત્યારે તેમણે અનેક મોટા નિર્ણયોની જાહેરાત કરી હતી. તેમના આ મનસ્વી નિર્ણયોના કારણે ફક્ત અમેરિકા જ નહીં પરંતુ, દુનિયાની અર્થવ્યવસ્થા પર પણ તેની અસર પડી હતી. ટ્રમ્પે પોતાની સરકારના કામકાજને બહેતર બનાવવા અને ખર્ચ ઘટાડવા માટે DOGE (Department of Government Efficiency)ની રચના કરી હતી. જેના પ્રમુખ ટ્રમ્પને ચૂંટણી દરમિયાન નાણાંકીય મદદ કરનાર બિઝનેસમેન ઈલોન મસ્કને બનાવવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમણે પોતાના બિઝનેસને આગળ વધારવાનું કહીને પદ છોડી દીધું હતું. જોકે, હવે ટ્રમ્પના આ નજીકના મિત્રએ ટ્રમ્પ સરકારના નિર્ણયોની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં સરકારના એક નિર્ણય પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મેં અસંમતિ વ્યક્ત કરી છે અને હું આ નિર્ણયથી નિરાશ છું. હકીકતમાં આ નિર્ણય ટેક્સ કટ સાથે જોડાયેલો છે.
ઈલોન મસ્કે કરી ટ્રમ્પની ટીકા
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાના પહેલા મતભેદમાં ઈલોન મસ્કે ‘વન બિગ બ્યૂટિફૂલ બિલ’ને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ બિલ સરકારી ખર્ચમાં ભારે વધારો કરવાનો પ્રસ્તાવ મૂકે છે, જેનાથી અમેરિકાના બજેટની ખાધ ઘટવાની બદલે વધશે. મસ્કે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ‘હું આ ભારે ભરખમ ખર્ચવાળા બિલથી નિરાશ છું. જે બજેટ ખાધ ઘટાડવાની બદલે વધારે છે અને DOGE ટીમ દવારા કરવામાં આવી રહેલા કામને કમજોર કરે છે. કોઈ બિલ કાં તો મોટું હોય શકે કાં તો સુંદર હોય શકે. પરંતુ બંને એકસાથે ન થઈ શકે.’
શું છે ટ્રમ્પ સરકારનું નવું બિલ?
ટ્રમ્પ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ બિલમાં ટ્રમ્પ દ્વારા વર્ષ 2017માં કરવામાં આવેલા ટેક્સ કાપની જોગવાઈને વધારવાનો પ્રસ્તાવ છે. આ જોગવાઈ આ વર્ષે સમાપ્ત થવાની હતી. જોકે, આ બિલના વિસ્તારથી આવનારા 10 વર્ષમાં અમેરિકાની ખાધ 2.8 ટ્રિલિયન ડૉલર સુધી વધી શકે છે, જે ટ્રમ્પની ચૂંટણી પહેલા કરવામાં આવેલા વચનોથી વિપરિત છે. ટ્રમ્પના આ બિલને લઈને બજારમાંથી તીખી પ્રતિક્રિયા સામે આવી રહી છે.
આ પણ વાંચોઃ પાક. આર્મી ચીફ આસિમ મુનિરની ખુલી ગઈ પોલ! આતંકવાદીઓ સાથેના ફોટાવાળું પોસ્ટર વાઈરલ
આ પણ વાંચોઃ અમેરિકાનો ભાગ બનો અને મફતમાં સુરક્ષા કવચ મેળવો; ટ્રમ્પની કેનેડાને ચોંકાવનારી ઓફર












