પ્રાકૃતિક ખેતી કરો છો? તો ગાય મારા તરફથી નિ:શુલ્ક, સાણંદના ગૌપાલકે જાણો કેટલી ગાય ભેટમાં આપી

- જરૂરિયાતમંદ ખેડૂતોને 50 ગાય આપી: શુદ્ધ ધી, દૂધ, ગૌમૂત્ર-ગોબરની ચિંતા કરી દૂર
- ‘ગાય કોઈ દિવસ વેચવી નહીં’ નો નિર્ધાર : ગજેન્દ્રસિંહ વાઘેલા
ભુજ, 13 જુલાઇ 2025: Farming ખેડૂતોને મળવાનું થાય ત્યારે સૌ ખેડૂતોને એક પ્રશ્ન રહેતો કે, પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત અને અન્ય ખાતરો બનાવવા માટે ગાયના ગોબર-ગૌમૂત્રની જરૂર પડે છે, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી ગાય ખરીદી શકતા નથી. આ સમસ્યાના નિરાકરણ માટે નિર્ણય કર્યો કે, તેઓ પોતાની ગૌશાળામાંથી જરૂરિયાતમંદ ખેડૂતોને નિ:શુલ્ક ગાયોનું દાન કરશે. આ પ્રેરણાત્મક પહેલ સાણંદ તાલુકાના વિંછીયા ગામના ખેડૂત ગજેન્દ્રસિંહ વાધેલા દ્વારા કરવમાં આવી છે. કિસાનોની સ્થિતિ નબળી હોય ત્યારે ગાય તો ભેટમાં આપી જ છે સાથે સાથે પ્રાકૃતિક ખેતની સમૃદ્ધ બનાવવા સમાજમાં પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે. વાંચો વાત તેમની પ્રાકૃતિક ખેતી માટેની સંવેદનશીલતાની.
જીવામૃત, ઘનજીવામૃત અને જંતુનાશકોની સમસ્યા હતી
સાણંદમાં ૧૫ વર્ષથી ગૌશાળા ચલાવતા ગજેન્દ્રસિંહ વાધેલા આ પહેલ અંગે વાત કરતા કહે છે કે, હું પોતે છેલ્લાં ઘણાં વર્ષોથી માત્ર પ્રાકૃતિક ખેતી જ કરી રહ્યો છું અને છેલ્લાં ૫-૭ વર્ષથી અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત પણ કરું છું. હું ઘણા બધા ખેડૂતોને મળ્યો ત્યારે મોટાભાગના ખેડૂતો માટે જીવામૃત, ઘનજીવામૃત અને જંતુનાશકો બનાવવા માટે જરૂરી ગાયના ગોબર અને ગૌમૂત્ર મેળવવો એ સૌથી મોટી સમસ્યા હતી.
ખેડૂતોને મોટી ગાયની જરૂર પડે
ઘણા ખેડૂતોની આર્થિક સ્થિતિ એવી હોય છે કે તેઓ ગાય ખરીદી શકતા નથી. એટલું જ નહીં, ગાયનો દૈનિક નિભાવ ખર્ચ ઓછામાં ઓછો ૧૨૫ થી ૧૫૦ રૂપિયા જેટલો થાય છે. ખેડૂતોને આ ખર્ચ પૂરો પાડવો પણ ક્યારેક મુશ્કેલ પડે છે. ખાસ કરીને નાની વાછરડીઓને જ્યાં સુધી તે દૂધ આપતી ન થાય ત્યાં સુધી ઉછેરવામાં ખર્ચ પોસાતો નથી, જેના કારણે ખેડૂતોને મોટી ગાયની જરૂર પડે છે.
આ પણ વાંચો:કચ્છમાં સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળા ઉત્સવ શરૂ : ક્યાં સુધી ચાલશે?
ગાયની જરૂરિયાત એક મુખ્ય પડકાર
આમ, પ્રાકૃતિક કૃષિને લઇને આ ખેડૂતો માટે ગાયની જરૂરિયાત એક મુખ્ય પડકાર હતો. આ પડકારોને પહોંચી વળવા માટે પોતાની ગૌશાળામાંથી ગાયો નિ:શુલ્ક આપવાનો સંકલ્પ કર્યો, જેથી દરેક ખેડૂતના ઘરે ગાય બંધાઈ શકે અને તેઓ પ્રાકૃતિક કૃષિ અપનાવી શકે. આ પહેલ થકી અત્યાર સુધીમાં લગભગ ૪૦ થી ૫૦ ગાયો ખેડૂતોને નિ:શુલ્ક આપવામાં આવી છે. હાલમાં, તેમની પાસે કુલ ૭૦ ગાયો છે, જેમાં વાછડા અને વાછડીઓનો પણ સમાવેશ થાય છે.
બાપ-દાદાનો વારસો જાળવ્યો, દરેકને ખિલ્લે બાંધવા પ્રયાસ
ગજેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના બાપ-દાદાઓનો વારસો જીવંત રાખ્યો છે. ગજેન્દ્રસિંહ વાઘેલાના દાદા અને પિતાનો એવો નિયમ હતો કે ગાય ક્યારેય વેચવી નહીં. આ વારસો જાળવી રાખીને તેમણે સંકલ્પ કર્યો કે ગાય દરેક ખેડૂતના ખીલ્લે બંધાય. એટલું જ નહીં ખેડૂતના ઘરે ગાય હોવાથી તેમને અને તેમના પરિવારને શુદ્ધ ગાયનું દૂધ, ઘી અને છાશ ખાવા મળે છે. આમ, ગાયને ‘હરતું ફરતું દવાખાનું’ માનવામાં આવે છે.
ગજેન્દ્રસિંહની ગૌદાન માટેની અનોખી શરત
ગજેન્દ્રસિંહ પોતાની ગૌશાળામાંથી જરૂરિયાતમંદ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપે છે. તેઓ ગાય આપતી વખતે ખેડૂત સાથે કરાર પણ કરે છે કે ગાય વેચવી નહીં. જો ખેડૂતને ભવિષ્યમાં ગાય ન પોસાય, તો તે ગાયને પાછી તેમની ગૌશાળામાં મૂકી શકે છે અને તે ગાય પછી બીજા જરૂરિયાતમંદ ખેડૂતને આપવામાં આવે છે. તેઓ ખેડૂતોને મોટી ગાયો પણ આપે છે કારણ કે નાની વાછરડીને દૂધ આપતી થાય ત્યાં સુધી ઉછેરવાનો ખર્ચ ખેડૂતને પોસાતો નથી. જોકે, કેટલાક સક્ષમ ખેડૂતોને નાની વાછરડીઓ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો:પોલીસ ડીજી હજુ તો કચ્છમાં સમીક્ષા કરીને ગયા અને પીપરીમાં પડ્યો જુગાર કલબ ઉપર દરોડો












