
ભાવનગરમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મદિવસ નિમિત્તે શિક્ષણલક્ષી સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ જાહેરમાં એવી માંગ વ્યક્ત કરી કે વર્ષ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દિવ્યેશ સોલંકીને ભાજપ તરફથી ઉમેદવાર બનાવવામાં આવે અને તેઓ ધારાસભ્ય બની ભવિષ્યમાં મંત્રીપદ સુધી પહોંચે. આ નિવેદન બાદ આગામી ચૂંટણીને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
જન્મદિવસે શિક્ષણલક્ષી સેવાકીય કાર્યક્રમો યોજાયા
દિવ્યેશ સોલંકીના જન્મદિવસની ઉજવણી માત્ર શુભેચ્છાઓ સુધી મર્યાદિત ન રહી, પરંતુ તેને સેવાકીય સ્વરૂપ આપવામાં આવ્યું. ભાવનગર સ્થિત ‘મેરા મુંજે’ પુસ્તકાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઉપયોગી બને તેવા કબાટ, ખુરશીઓ, નોટબુક તેમજ અન્ય સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોનું માનવું હતું કે શિક્ષણ ક્ષેત્રે દિવ્યેશ સોલંકી સતત સક્રિય રહી સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શિક્ષણ પ્રત્યેની સક્રિયતાને સમાજે બિરદાવી
પ્રવીણભાઈ કોળીએ જણાવ્યું કે દિવ્યેશ સોલંકી છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓમાં સતત જોડાયેલા રહ્યા છે. વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળે અને સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે તેઓ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. સમાજના યુવાનોમાં પણ તેમની કામગીરીને લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
2027ની ચૂંટણી લડાવવાની માંગ ઉઠી
કાર્યક્રમ દરમિયાન પ્રવીણભાઈ કોળીએ કહ્યું કે કોળી સમાજના યુવાનો અને આગેવાનોમાં એવી ભાવના છે કે દિવ્યેશ સોલંકીએ 2027ની વિધાનસભા ચૂંટણીમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. તેમના મતે, સમાજના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ દરમિયાન લોકો સતત દિવ્યેશ સોલંકીના રાજકીય ભવિષ્ય અંગે પ્રશ્નો પૂછે છે અને તેમને ચૂંટણી મેદાનમાં જોવા ઇચ્છા વ્યક્ત કરે છે.
‘પિતાના માર્ગે ચાલી રહ્યા છે દિવ્યેશ’
પ્રવીણભાઈ કોળીએ જણાવ્યું કે દિવ્યેશ સોલંકી પોતાના પિતા પરસોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સમાજસેવાના વિવિધ કાર્યોમાં જોડાયેલા છે. શિક્ષણ, સામાજિક પ્રશ્નો, સમૂહલગ્ન જેવા કાર્યક્રમોમાં તેમની સક્રિય હાજરી જોવા મળે છે. આ કામગીરીના કારણે સમાજમાં તેમની સ્વીકાર્યતા વધી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું.
મંત્રીપદ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો
કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું કે દિવ્યેશ સોલંકીને માત્ર ચૂંટણી લડાવવાનો જ નહીં પરંતુ ધારાસભ્ય બન્યા બાદ મંત્રીપદ સુધી પહોંચાડવાનો પણ સમાજનો સંકલ્પ છે. તેમના જણાવ્યા અનુસાર, યુવા વર્ગમાં દિવ્યેશ સોલંકીને લઈને ઉત્સાહ જોવા મળે છે અને ભવિષ્યમાં તેઓ સમાજનું નેતૃત્વ કરી શકે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાજપે તક આપવી જોઈએ: પ્રવીણભાઈ કોળી
પ્રવીણભાઈ કોળીએ દાવો કર્યો કે જો ભાજપ દિવ્યેશ સોલંકીને સૌરાષ્ટ્રની કોઈ કોળી બહુલ બેઠક પરથી ઉમેદવાર બનાવે તો તેમની જીતની શક્યતા મજબૂત રહેશે. તેમણે એમ પણ કહ્યું કે હાલ કોળી સમાજમાં દિવ્યેશ સોલંકી એક પ્રભાવશાળી યુવા ચહેરા તરીકે ઉભરી રહ્યા છે અને પક્ષે આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઈએ.
અંતિમ નિર્ણય દિવ્યેશ સોલંકી અને પક્ષનો રહેશે
જોકે, કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ કરવામાં આવ્યું કે ચૂંટણી લડવાનો અંતિમ નિર્ણય દિવ્યેશ સોલંકી તથા ભાજપના નેતૃત્વનો રહેશે. સમાજના આગેવાનો અને યુવાનો તરફથી માત્ર તેમની ઉમેદવારી માટેની લાગણી અને અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં ભાજપ 2027ની ચૂંટણી માટે કેવી રાજકીય વ્યૂહરચના અપનાવે છે અને દિવ્યેશ સોલંકીને શું જવાબદારી સોંપે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: રાજ્યમાં મેઘ મહેર : ખાંભા વિસ્તારમાં આભ ફાટતા 20 ગામડાઓનો સંપર્ક તૂટ્યો












