ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસમાં મોટો ચુકાદો, આરોપી ફૈઝલને આજીવન કેદ
Bhavnagar: ભાવનગર શહેરના એસ.ટી. બસ સ્ટેશન પરિસરમાં કાજલબેન બારૈયા નામની યુવતીની જાહેરમાં કરપીણ હત્યા કરવાના અત્યંત ચકચારી પ્રકરણમાં અદાલતે દાખલારૂપ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. ઘટના બન્યાના ગણતરીના 31 દિવસની અંદર સમગ્ર કાનૂની ટ્રાયલ પૂર્ણ કરીને ભાવનગર સેશન્સ કોર્ટે હત્યારા આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સખત આજીવન કેદની સજા ફટકારી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જાહેરમાં ઘાતકી હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી
સમગ્ર લોહીયાળ ઘટનાક્રમ મુજબ, ગત 4 સપ્ટેમ્બરના રોજ ભાવનગર એસ.ટી. બસ મથક ખાતે ફૈઝલ ઉર્ફે ખાટકીએ કાજલ બારૈયા પર નિર્દયતાપૂર્વક હુમલો કરીને જાહેરમાં હત્યા કરી નાખી હતી. ભરચક બસ સ્ટેન્ડ પર ધોળે દિવસે બનેલી આ સનસનાટીભરી ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફેલાયો હતો. બનાવ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં જ તંત્રે આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો.
પોલીસની ત્વરિત તપાસ: સ્પેશિયલ SIT અને 30 દિવસમાં ચાર્જશીટ
ગુનાની સંવેદનશીલતા જોતાં રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી અને ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) ડૉ. નિતેશ પાંડેના સીધા સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. પોલીસે વૈજ્ઞાનિક, ફોરેન્સિક અને સાક્ષીઓના નિવેદનો સહિતના અભેદ્ય પુરાવા એકત્ર કરીને ઘટનાના બરાબર 30મા દિવસે એટલે કે 4 ઑક્ટોબરે અદાલતમાં પુરાવાઓ સાથે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
જેલમાંથી સાક્ષીનું અપહરણ કરાવ્યું છતાં કાનૂનનો ગાળિયો મજબૂત રહ્યો
સુનાવણી દરમિયાન એવો ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો કે આરોપી ફૈઝલે જેલની અંદર રહીને પોતાના સાગરીતો મારફતે કેસના મુખ્ય ચશ્મદીદ સાક્ષીનું અપહરણ કરાવીને તેને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યો હતો, જેથી તે અદાલતમાં જુબાની ન આપી શકે. જોકે, પોલીસે સાક્ષીને મુક્ત કરાવી કોર્ટ સમક્ષ સુરક્ષિત રજૂ કર્યો હતો. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (સ્પેશિયલ સરકારી વકીલ) ઉત્પલ દવેની ધારદાર દલીલો, સાક્ષીઓની જુબાની અને SIT દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓને માન્ય રાખીને અદાલતે અપરાધની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપીને જીવનપર્યંત આજીવન કારાવાસની કડક સજા સંભળાવી હતી.












