ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સ 2026માં દિલીપ ગાવિતે 100 મીટર T47માં ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો

Dilip Gavit creates history: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો શાનદાર દેખાવ સતત યથાવત રહ્યો છે. સ્પર્ધાના સાતમા દિવસે ભારતીય પેરા એથ્લેટ્સે પુરુષોની 100 મીટર T47 ફાઇનલમાં ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું. દિલીપ મહાદુ ગાવિતે 10.71 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે મોહમ્મદ બાસિલ મોર્સિંગનાકથે 10.83 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.

આ સિદ્ધિ સાથે ભારતના ખાતામાં હવે કુલ ત્રણ ગોલ્ડ મેડલ જોડાયા છે અને કુલ મેડલની સંખ્યા 15 પર પહોંચી છે. આગામી સ્પર્ધાઓમાં ભારતના મેડલની સંખ્યામાં વધુ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિલીપ ગાવિતે રચ્યો ઇતિહાસ

દિલીપ ગાવિતે ગોલ્ડ મેડલ જીતવાની સાથે એક ઐતિહાસિક સિદ્ધિ પણ હાંસલ કરી છે. તેઓ કોમનવેલ્થ ગેમ્સના પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ એથ્લેટ બન્યા છે. સાથે જ તેઓ મહિલા શોટપુટ F57માં ગોલ્ડ જીતનાર શર્મિલા બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર બીજા ભારતીય પેરા એથ્લેટ પણ બન્યા છે.

દિલીપે 10.71 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને સીઝનનો પોતાનો શ્રેષ્ઠ સમય નોંધાવ્યો. મહારાષ્ટ્રના નાસિક નજીક આવેલા તોરણ ડોંગરી ગામના રહેવાસી દિલીપ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. બાળપણમાં ઝાડ પરથી પડી જવાથી તેમના જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. સમયસર યોગ્ય સારવાર ન મળતાં તેમનો હાથ કોણી નીચેનો ભાગ કાપવો પડ્યો હતો. આ મુશ્કેલીઓ છતાં તેમણે રમતગમતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.

એશિયન પેરા ગેમ્સ બાદ હવે કોમનવેલ્થમાં પણ ગોલ્ડ

દિલીપ ગાવિત અગાઉ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 400 મીટર T47 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. હવે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીતતાં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો ફરી એકવાર પરિચય આપ્યો છે.

પેરાલિમ્પિક્સ પર છે દિલીપનું આગામી લક્ષ્ય

ગોલ્ડ મેડલ જીત્યા બાદ દિલીપ ગાવિતે જણાવ્યું કે રેસની શરૂઆત થોડી ધીમી રહી હતી, પરંતુ ત્યારબાદ તેમણે ગતિ વધારી અને જીત મેળવી. તેમણે કહ્યું કે ખરાબ હવામાનના કારણે યોગ્ય ટાઈમિંગ મેળવવું મુશ્કેલ બન્યું હતું અને શરીરને ગરમ રાખવામાં પણ પડકારો આવ્યા હતા.

દિલીપે વધુમાં જણાવ્યું કે હાલમાં તેમનું સંપૂર્ણ ધ્યાન માત્ર મેડલ જીતવા પર છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાપાનમાં યોજાનારા પેરા એશિયન ગેમ્સ અને ત્યારબાદ પેરાલિમ્પિક્સમાં વધુ સારું પ્રદર્શન કરીને દેશ માટે વધુ મેડલ જીતવાનું તેમનો નેક્સ્ટ ટાર્ગેટ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, આજથી ફરી ધોધમાર વરસાદનું જોર

Back to top button