ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, આજથી ફરી ધોધમાર વરસાદનું જોર

અમદાવાદ: ગુજરાતમાં એકસાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં આજરોજ 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે. આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આજરોજ (30 જુલાઈ) સુરત સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત આઠ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.

છેલ્લા 24 કલાકનો વરસાદ

છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં 1 મિમીથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઇંચ, સિંગવડમાં 1.06 ઇંચ અને મહીસાગરના લુણાવાડામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

ચાર સિસ્ટમ સક્રિય

હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં

  1. ડીપ ડિપ્રેશન
  2. મોનસૂન ટ્રફ
  3. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન
  4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

આ સિસ્ટમોને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરથી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે.

આગાહી વિગતે

  • આજે (30 જુલાઈ): દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી.
  • 31 જુલાઈ: અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની ચેતવણી.
  • 1 ઓગસ્ટ: ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે મુસળધાર વરસાદની સંભાવના.

માછીમારો માટે વોર્નિંગ

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા મુજબ રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે થંડરસ્ટોર્મની વોર્નિંગ 1 ઓગસ્ટ સુધી આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે અને તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટના કારણે મજબૂત પવનની સ્થિતિ રહેશે, જેમાં પવનની ગતિ 20થી 25 નોટ્સ રહેશે. ભારે પવનની સંભાવનાથી 1 ઓગસ્ટ સુધી માછીમારો માટે વોર્નિંગ જારી કરાઈ છે.

આ પણ વાંચો: લોકસભા બાદ હવે રાજ્યસભામાં આજે રજૂ થશે એન્ટી પેપર લીક બિલ, જાણો કોની પાસે છે નંબરગેમ

Back to top button