ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં ફેમસ મોડલની હત્યા, જિમ ટ્રેનરે ઘરમાં ઘુસી ચાકૂના ઘા મારી દીધા

નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીના તિલક નગર વિસ્તારમાં 21 વર્ષીય યુવતીની તેના જ ઘરમાં ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના સમયે યુવતી ઘરમાં એકલી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. દિલ્હી પોલીસે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે અને ફરાર શંકાસ્પદની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી છે.

મૃતક યુવતીની ઓળખ મુસ્કાન તરીકે થઈ છે. મીડિયા અહેવાલો અનુસાર તે અભ્યાસ કરવાની સાથે મોડેલિંગ પણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં મુસ્કાનને ઓળખતા એક જિમ ટ્રેનર પર પોલીસનું ધ્યાન કેન્દ્રિત થયું છે. કેટલાક અહેવાલોમાં શંકાસ્પદનું નામ ઇમરાન જણાવાયું છે. જોકે કેસની તપાસ ચાલુ હોવાથી હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી.

ઘરમાં એકલી હતી મુસ્કાન

પોલીસના જણાવ્યા પ્રમાણે બુધવારે સાંજે મુસ્કાન તિલક નગર સ્થિત પોતાના ઘરમાં એકલી હતી. આ દરમિયાન હુમલાખોર ઘરમાં પહોંચ્યો અને તેના પર ચાકુથી અનેક વાર હુમલો કર્યો હોવાનો આરોપ છે. હુમલા બાદ શંકાસ્પદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ યુવતીની હાલત જોઈ તાત્કાલિક તેને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

જિમ ટ્રેનર પર શંકા

તપાસમાં સામે આવેલી પ્રાથમિક માહિતી પ્રમાણે મુસ્કાન અને શંકાસ્પદ જિમ ટ્રેનર એકબીજાને અગાઉથી ઓળખતા હતા. પોલીસ સૂત્રોને ટાંકતા અહેવાલોમાં જણાવાયું છે કે બંને લગભગ દોઢ વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. હુમલા બાદ જિમ ટ્રેનર ફરાર હોવાનું જણાવાયું છે અને તેને પકડવા માટે પોલીસ દરોડા પાડી રહી છે.

પરિવાર અને મિત્રોએ લગાવ્યા ગંભીર આરોપ

મુસ્કાનના મિત્ર અમને મીડિયાને જણાવ્યું હતું કે મુસ્કાન ત્રણ બહેનોમાં સૌથી નાની હતી. તેના જણાવ્યા પ્રમાણે મુસ્કાનની મોટી બહેને તેને ફોન કરીને તાત્કાલિક ઘરે પહોંચવા કહ્યું હતું. તે પહોંચ્યો ત્યાં સુધી એમ્બ્યુલન્સ મુસ્કાનને હોસ્પિટલ લઈ જઈ ચૂકી હતી.

અમને એવો પણ દાવો કર્યો છે કે શંકાસ્પદ યુવક લાંબા સમયથી મુસ્કાનને હેરાન કરતો હતો. પરિવારના સભ્યોએ પણ શંકાસ્પદની ઓળખ અંગે પોલીસને માહિતી આપી હોવાના અહેવાલ છે. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ તપાસનો વિષય છે.

CCTV ફૂટેજ બનશે મહત્વનો પુરાવો

પોલીસ આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચકાસી રહી છે. મીડિયા અહેવાલોમાં પરિવાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે શંકાસ્પદ વ્યક્તિ સાંજે લગભગ 5:40 વાગ્યે ઘરની આસપાસ જોવા મળ્યો હતો. પોલીસ ઘટનાક્રમ, શંકાસ્પદની હિલચાલ અને હુમલા પાછળનું કારણ જાણવા માટે ડિજિટલ અને અન્ય પુરાવાઓ પણ તપાસી રહી છે.

એડિશનલ DCP અભિષેક ગુપ્તાએ જણાવ્યું છે કે આરોપીને શોધવાના પ્રયાસો ચાલુ છે અને કેસની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે. હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: નેપાળમાં ભીષણ તબાહી બાદ હવે ભારતમાં ખતરો, યૂપી-બિહારના કેટલાય જિલ્લામાં હાઈએલર્ટ

Back to top button