દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: ફેમિલી પેન્શનમાં ‘લિવ-ઈન પાર્ટનર’નો સમાવેશ કરવા કેન્દ્ર સરકારને આદેશ

નવી દિલ્હી: 11 જાન્યુઆરી, 2026: દિલ્હી હાઈકોર્ટે એક નિવૃત્ત સરકારી કર્મચારીની અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને અત્યંત મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, ફેમિલી પેન્શન અને આરોગ્ય સુવિધાઓ માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) માં કર્મચારીના લિવ-ઈન પાર્ટનર અને તેમના બાળકોના નામ સામેલ કરવા પર વિચાર કરવામાં આવે.
શું છે સમગ્ર મામલો?
અરજદાર કર્મચારીના જણાવ્યા મુજબ, તેમની પત્નીએ તેમને છૂટાછેડા આપ્યા વિના છોડી દીધા હતા, જેના કારણે તેઓ 1983થી અન્ય એક મહિલા સાથે લિવ-ઈન રિલેશનમાં રહેવા લાગ્યા હતા. આ સંબંધથી તેમને બે બાળકો પણ છે. 1990માં વિભાગે તેમની સામે તપાસ કરી પગારમાં કાપ મૂક્યો હતો. બાદમાં 2011માં ફરી તપાસ શરૂ કરી તેમની 50 ટકા પેન્શન અને ગ્રેચ્યુઈટી રોકી દેવામાં આવી હતી.
કોર્ટનું અવલોકન: સંબંધ છુપાવ્યો નથી તો તે ગેરવર્તણૂક નથી
જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ મધુ જૈનની બેન્ચે આ મામલે કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ (CAT) ના જૂના આદેશને રદ કર્યો છે. કોર્ટે નોંધ્યું કે, કર્મચારીએ આખી સેવા દરમિયાન પોતાના લિવ-ઈન સંબંધો વિશે વિભાગને જાણ કરી હતી. સર્વિસ રેકોર્ડમાં પણ પાર્ટનર અને બાળકોની વિગતો આપેલી હતી. સંબંધોમાં પારદર્શિતા જાળવી હોવાથી તેને ‘ગંભીર ગેરવર્તણૂક’ (Serious Misconduct) ગણી શકાય નહીં.
વ્યાજ સાથે પેન્શન ચૂકવવા આદેશ
હાઈકોર્ટે 7 જાન્યુઆરીએ આપેલા ચુકાદામાં સરકારને આદેશ આપ્યો છે કે, અરજદારની અટકાવેલી 50 ટકા પેન્શન અને ગ્રેચ્યુઈટીની રકમ 6 ટકા વાર્ષિક વ્યાજ સાથે તાત્કાલિક ચૂકવવામાં આવે. ફેમિલી પેન્શન અને CGHS સુવિધાઓ માટે પાર્ટનર અને બાળકોના નામ ઉમેરવાની વિનંતી પર વિચાર કરવામાં આવે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજદ્વારી પાસપોર્ટ મેળવવામાં કે અન્ય કોઈ બાબતમાં કર્મચારીનો ઈરાદો વિભાગને છેતરવાનો કે કોઈ દુર્ભાવનાપૂર્ણ નહોતો.












