ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

કેરેબિયન પ્રીમિયર લીગમાં રચાયો ઈતિહાસ, પોલાર્ડની ટીમે કર્યું કારનામું

ટ્રીનીદાદ, તા. 22 સપ્ટેમ્બર, 2025: વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર કિરોન પોલાર્ડની ટીમે કેરેબિયન પ્રીમિયર લીગ એટલે કે CPL 2025માં કમાલ કરી બતાવ્યો છે. પોલાર્ડની ટીમ ટ્રિનબાગો નાઈટ રાઈડર્સે CPL 2025નો ખિતાબ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં નિકોલસ પૂરનની કેપ્ટનશીપ હેઠળની ટ્રિનબાગો નાઈટ રાઈડર્સે ગયાના એમેઝોન વોરિયર્સને હરાવીને 5મી વખત CPLનો ખિતાબ જીત્યો છે. આ પહેલા ટ્રિનબાગો નાઈટ રાઈડર્સની ટીમ 2015, 2017, 2018, 2020 અને 2023માં પણ ચેમ્પિયન બની હતી. ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ CPLમાં સૌથી વધુ ખિતાબ જીતનારી ટીમ છે.

CPLમાં સૌથી વધુ વખત ખિતાબ જીતનારી ટીમો

ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ – 5

જમૈકા તૈલવાહ – 3

બાર્બાડોસ રોયલ્સ – 2

ગુયાના એમેઝોન વોરિયર્સ – 1

સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ – 1

સેન્ટ લુસિયા કિંગ્સ – 1

ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ T20 લીગ ક્રિકેટના ઈતિહાસમાં 5 ખિતાબ જીતનારી દુનિયાની ચોથી ટીમ છે. આ પહેલા IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને BBLમાં પર્થ સ્કોર્ચર્સની ટીમો 5 ખિતાબ જીતી ચૂકી છે.


ટ્રિનબાગોએ શ્રેષ્ઠ રમત બતાવી

ફાઈનલ મેચમાં પહેલા બેટિંગ કરતા ગયાના એમેઝોન વોરિયર્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 130 રન જ બનાવી શકી. ટીમ તરફથી ઇફ્તિખાર અહેમદે સૌથી વધુ 30 રનની ઈનિંગ રમી. બેન મેકડર્મોટે 28 જ્યારે પ્રિટોરિયસે 25 રનનું યોગદાન આપ્યું. ટ્રિનબાગો તરફથી બોલિંગમાં સૌરભ નેત્રવલકરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી. જ્યારે, અકીલ હુસેને 2 વિકેટ પોતાના નામે કરી. આન્દ્રે રસેલ અને ઉસ્માન તારીકને એક-એક સફળતા મળી હતી.

131 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટ્રિનબાગો નાઈટ રાઈડર્સના બેટ્સમેનોએ શ્રેષ્ઠ રમત બતાવી. ટીમે 7 વિકેટ ગુમાવીને 2 ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી અને ખિતાબ પર કબ્જો જમાવી લીધો. ઓપનિંગ બેટ્સમેન એલેક્સ હેલ્સે 26 અને કોલિન મુનરોએ 23 રન બનાવ્યા. જ્યારે, સુનીલ નરિને 22 અને કિરોન પોલાર્ડે 21 રનનું યોગદાન આપ્યું હતું.

Back to top button