ગુજરાત

AMCનો કડક નિર્ણય: બિલ્ડિંગ-કોમ્પ્લેક્સની બહાર વાહન પાર્ક કર્યું તો લોક થઈ જશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યાને લઈ કડક નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોની મિલકતમાં પાર્કિંગની જગ્યામાં જ વાહનો પાર્ક કરવાના રહેશે. કોમ્પ્લેક્સની બહાર રોડ કે ફૂટપાથ ઉપર ક્યાંય પણ પાર્કિંગ કરવાનું રહેશે નહીં. જ્યાં કોમ્પ્લેક્સની માર્જિનની જગ્યા છે, ત્યાં કોઈપણ પ્રકારનું દબાણ કરવાનું રહેશે નહીં. જો કોઈપણ જગ્યાએ આવું વાહનનું કે અન્ય દબાણ જોવા મળશે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ ટ્રાફિક પોલીસ સાથે મળીને વાહન તેમજ સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરશે.

એસ્ટેટ વિભાગે જણાવ્યું કે, શહેરમાં મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત કરાવવામાં આવતું નથી. નાગરિકો દ્વારા વાહનો જાહેર ટી.પી.રસ્તા પર પાર્કિંગ કરી જાહેર જનતાને અવર-જવરમાં મુશ્કેલી ઉભી કરવામાં આવે છે અને ટ્રાફિકનું સરળ નિયમન થઈ શકતું નથી. જેને લીધે શહેરમાં વધતા ટ્રાફિકની તથા ગેરકાયદેસર થતા પાર્કિંગની સમસ્યા ઉભી થાય છે. તમામ વાણિજ્ય-રહેણાંક વિસ્તારમાં આવેલી બિલ્ડિંગો અને જગ્યામાં નીતિ-નિયમો અનુસાર વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત રીતે પ્લોટ-પ્રિમાઈસીસની અંદર કરાવવુ તેમજ પાર્કિંગ અંગેના જરૂરી સાઈનેજીસ, પાર્કિંગના પટ્ટા લગાવવા તથા પાર્કિંગનું સંચાલન થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

બિલ્ડિંગ પ્રિમાઈસિસ બહાર મ્યુનિસિપલ રસ્તા, ફૂટપાથ, જાહેર જગ્યામાં બિન-પરવાનગીએ વાહનોનું પાર્કિંગ કરવું અને કરાવવું નહીં. બિલ્ડિંગની સામે રસ્તા ઉપર વાહનચાલકો બિન-અધિકૃત પાર્કિંગ કરે નહી તે માટે જરૂરી વ્યવસ્થા કાયમી ધોરણે કરવાની રહેશે. બિલ્ડિંગની ફ્રન્ટ માર્જિનની જગ્યામાં માલ-સામાન મુકી માર્જિનમાં દબાણ કરવું અને કરાવવું નહી. ઘણા લોકો પોતાની દુકાનની સામેની જગ્યા નાના ખાણીપીણીના સ્ટોલ માટે ભાડે આપી દે છે આવી દુકાનો સામે જો કોઈ સ્ટોલ હશે તો તાત્કાલિક ધોરણે તેની દૂર કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

રોડ ઉપર કરાતા પાર્કિંગ અને દબાણને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તો કોઈપણ વ્યક્તિ રોડ ઉપર વાહન પાર્ક કરી અને ગયું હશે તો તેમનું વાહન લોક કરી દેવામાં આવશે. તાત્કાલિક ધોરણે આ અમલ શરૂ થઈ ગયો છે. કોઈપણ બિલ્ડિંગ બહાર ગેરકાયદેસર રીતે પાર્કિંગ અથવા તો પાર્કિંગની જગ્યામાં દબાણ કરાયેલું હશે તો તેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button