Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

‘થોડું થોભો… ચુકાદો આપીને જ નિવૃત્ત થઈશ…’ A.M સિંધવીની દલીલ પર CJIની ટિપ્પણી

નવી દિલ્હી: 17 ઓક્ટોબર, 2025: દેશના ચીફ જસ્ટિસ (CJI) બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે શુક્રવારે (17 ઓક્ટોબર) તામિલનાડુ સરકારની એ અરજી પર સુનાવણી કરી, જેમાં રાજ્યપાલ આર.એન. રવિ દ્વારા ‘તમિલનાડુ શારીરિક શિક્ષણ અને રમતગમત યુનિવર્સિટી (સુધારો) બિલ, 2025’ને મંજૂરી આપવાને બદલે રાષ્ટ્રપતિ પાસે મોકલવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

રાજ્યપાલ બિલને રાષ્ટ્રપતિ પાસે ન મોકલી શકે?

તમિલનાડુ તરફથી હાજર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીએ રાજ્યપાલના આ પગલા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રાજ્યપાલ બિલને મંજૂરી આપવાને બદલે તેને સીધા રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે નહીં.

CJI ગવઈનો સ્પષ્ટ નિર્દેશ: ૪ સપ્તાહ રાહ જુઓ

CJI બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે કહ્યું કે, આ મુદ્દા પર બંધારણ પીઠના નિર્ણય પછી જ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન સિંઘવીએ પૂછ્યું કે, જો હવે રાષ્ટ્રપતિ કોઈ નિર્ણય લે તો શું થશે? તેના પર CJI ગવઈએ સ્પષ્ટતા કરી:

“અત્યારે તો અમે કોઈ આદેશ પસાર કરીશું નહીં. તમારે રાષ્ટ્રપતિના સંદર્ભ પર નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. તમારે માંડ ચાર અઠવાડિયાથી વધુ રાહ જોવી પડશે. આ સંદર્ભે 21 નવેમ્બર પહેલા નિર્ણય લઈ લેવામાં આવશે.”

CJI ગવઈ ૨૩ નવેમ્બરે થશે નિવૃત્ત:

નોંધનીય છે કે, વર્તમાન CJI બી.આર. ગવઈનો અંતિમ કાર્યદિવસ 21 નવેમ્બરે છે અને તેઓ 23 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. CJIએ આને ટાંકતા સંકેત આપ્યો કે, તેઓ નિવૃત્ત થાય તે પહેલાં રાષ્ટ્રપતિ સંદર્ભ મામલે નિર્ણય સંભળાવીને વિદાય લેશે.

‘381 સંદર્ભોનું ભારણ‘ અને વકીલોની દલીલો:

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું કે, 2015 થી 2025 સુધીમાં દેશના તમામ રાજ્યપાલો દ્વારા રાષ્ટ્રપતિને મોકલેલા સંદર્ભોની કુલ સંખ્યા 381 છે. જો આ બધા મામલા કોર્ટમાં લાવવામાં આવે તો તેના પર નિર્ણય લેવા માટે કાયમી ધોરણે બે અલગ-અલગ ખંડપીઠ બનાવવી પડશે.

આ મામલે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી કે, “આજે સવાલ એ છે કે શું રાજ્યપાલ એક ન્યાયાધીશની જેમ દરેક કલમની તપાસ કરી શકે છે અને કહી શકે છે કે આ સાચું છે અને આ ખોટું છે? જો તેઓ દરેક જોગવાઈને સાચા-ખોટાના ચશ્માથી જોશે, તો રાજ્યપાલોને પણ અહીં કોર્ટમાં બેસવું પડશે.”

સોલિસિટર જનરલ મહેતાએ જવાબમાં કહ્યું કે રાજ્યપાલ આઝાદી પછીથી જ આવું કરતા આવ્યા છે, આ તેમનું કાર્ય છે. આખરે CJIએ દલીલોમાં દરમિયાનગીરી કરીને ૪ અઠવાડિયા રાહ જોવાનો નિર્દેશ આપ્યો અને રાષ્ટ્રપતિ સંદર્ભ મામલે નિર્ણય આવ્યા પછી આ અરજીને સૂચિબદ્ધ કરવાનો આદેશ આપ્યો.

શું હતો રાષ્ટ્રપતિ સંદર્ભનો મુદ્દો?

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ સંદર્ભ પર 11 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ સંદર્ભમાં પૂછવામાં આવ્યું હતું કે શું કોઈ બંધારણીય અદાલત રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને મંજૂરી આપવા માટે રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા નક્કી કરી શકે છે.

તમિલનાડુ સરકારે પોતાની અરજીમાં કહ્યું છે કે, બિલને રાષ્ટ્રપતિના વિચારાર્થે મોકલવાનું રાજ્યપાલનું કૃત્ય “સ્પષ્ટપણે ગેરબંધારણીય, બંધારણના અનુચ્છેદ 163(1) અને 200નું ઉલ્લંઘન છે અને શરૂઆતથી જ અમાન્ય છે.”

આ બિલને 6 મે, 2025ના રોજ મંજૂરી માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યું હતું, પરંતુ 14 જુલાઈએ રાજ્યપાલે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી આપ્યો હતો, જે રાજ્ય સરકારના મતે તેમના બંધારણીય અધિકાર ક્ષેત્રની બહાર છે.

આ પણ વાંચોઃ OnePlus સ્માર્ટફોન્સને Oxygen OS 16 અપડેટ મળશે, કંપનીએ યાદી બહાર પાડી

આ પણ વાંચોઃ Messenger App બંધ થવાની તૈયારીમાં, આ તારીખ પછી તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં

Back to top button