ટ્રેન્ડિંગનેશનલ

યુટ્યુબ જોઈને નકલી નોટો છાપી: દેવામાં ડૂબેલા દંપતીએ ઘરને જ બનાવી દીધું ‘મિન્ટ’, 1.70 લાખની નકલી નોટો સાથે ધરપકડ

છત્તીસગઢ: 31 ડિસેમ્બર, 2025: દેવામાંથી મુક્તિ મેળવવા માટે શોર્ટકટ અપનાવવું એક દંપતીને ભારે પડ્યો છે. છત્તીસગઢના દુર્ગમાં પોલીસે નકલી નોટો છાપીને બજારમાં વટાવતા પતિ-પત્નીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ₹1,70,500ની નકલી કરન્સી અને નોટો છાપવાના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

દેવું ઉતારવા અપનાવ્યો ખતરનાક રસ્તો

પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી અરુણ કુમાર તુરંગ અને તેની પત્ની રાખી તુરંગ આર્થિક સંકટમાં હતા અને તેમના પર મોટું દેવું હતું. આ દબાણ હેઠળ તેમણે યુટ્યુબ (YouTube) પરથી નકલી નોટ છાપવાની રીત શીખી હતી. ત્યારબાદ ઓનલાઈન કલર પ્રિન્ટર અને ખાસ પ્રકારનો કાગળ મંગાવીને ઘરમાં જ નોટો છાપવાનું શરૂ કર્યું હતું.

શાકભાજી માર્કેટમાં ભાંડો ફૂટ્યો

આ આખી ઘટના રાનીતરાઈ વિસ્તારના સાપ્તાહિક બજારમાં સામે આવી હતી. દંપતીએ એક શાકભાજી વિક્રેતા પાસેથી ₹60ની શાકભાજી ખરીદીને ₹500ની નોટ આપી હતી. જ્યારે અન્ય વેપારીઓએ બજારમાં નકલી નોટો ફરતી હોવાની વાત કરી, ત્યારે શાકભાજી વેચનાર તુલેશ્વર સોનકરે પોતાની પાસેની નોટ ચેક કરી તો તે નકલી નીકળી હતી. તુરંત પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે બજારમાં શંકાસ્પદ હાલતમાં ફરતા અરુણ અને રાખીની ધરપકડ કરી લીધી.

ઘર પર દરોડામાં શું મળ્યું?

પોલીસે જ્યારે આરોપીઓના સોનપૈરી (રાયપુર) સ્થિત ઘર પર દરોડા પાડ્યા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. ₹100, ₹200 અને ₹500ના દરની કુલ ₹1,70,500ની નકલી નોટો મળી આવી. કલર પ્રિન્ટર, કાગળ અને નોટો કટિંગ કરવાના સાધનો જપ્ત કરાયા. મુખ્ય આરોપી અરુણ અગાઉ પણ ચોરીના કેસમાં જેલ જઈ આવ્યો છે.

એસએસપીનું નિવેદન

દુર્ગ એસએસપી વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, “આરોપીઓએ પાટણ અને રાનીતરાઈના બજારોમાં કેટલીક નોટો વટાવી દીધી હતી. તેમણે યુટ્યુબ પરથી ટિપ્સ લઈને આ નેટવર્ક ઊભું કર્યું હતું. હાલમાં અમે એ તપાસ કરી રહ્યા છીએ કે શું આમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ.”

પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી જેલમાં મોકલી આપ્યા છે અને આ નકલી નોટો અન્ય કયા બજારોમાં પહોંચી છે તેની તપાસ હાથ ધરી છે.

Back to top button