નર્મદામાં રોડ, પાણી, રોજગારી અને પેટ્રોલ-ડીઝલ મુદ્દે ચૈતર વસાવાની કલેક્ટર સમક્ષ રજૂઆત

Chaitar Vasava: નર્મદા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આજે (16 મે 2026) જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડેડિયાપાડા વિધાનસભાના AAP ધારાસભ્ય અને સામાજિક-રાજકીય કાર્યકર્તા ચૈતર વસાવાએ જિલ્લાની અનેક અગત્યની સમસ્યાઓને લઈને વિસ્તૃત રજૂઆત કરી હતી.
બેઠકમાં ચૈતર વસાવાએ મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે ઉઠાવ્યા હતા:
– જિલ્લામાં હાલ ચાલી રહેલા તમામ ડામરના રોડના કામોને સત્વરે અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ.
– વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યાના કારણે નવા હેન્ડપંપો લગાવવા અને જે હેન્ડપંપો રિપેર કરવા યોગ્ય છે તેને તાત્કાલિક રિપેર કરવા. આ માટે ગ્રામ પંચાયતો, પાણી પુરવઠા વિભાગ અને તાલુકા પંચાયતોને સૂચના આપવા અપીલ.
– મનરેગા યોજના હેઠળ વધુમાં વધુ લોકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા.
– ફોરેસ્ટ વિભાગમાં સ્થાનિક આદિવાસીઓને પ્રાથમિકતા આપીને રોજગારી આપવી.
– વિવિધ વિભાગોમાં કામ કરતા રોજમદાર કર્મચારીઓને સરકારના લઘુત્તમ વેતન ધારા મુજબ યોગ્ય વેતન મળે.
– જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે સાગબારા, ચિકદા અને ડેડિયાપાડા તાલુકામાં લાંબી લાઈનો લાગી રહી છે. આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ.
– ખાતરની અછતના મુદ્દે પણ ત્વરિત ઉકેલ.
– આંગણવાડી, શાળા અને અન્ય વિકાસલક્ષી પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ.
આજે નર્મદા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા ડામરના રોડના તમામ કામો સત્વરે અને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે, સાથે સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ ઉભી થતી હોવાના મુદ્દે… pic.twitter.com/qSFo1Z3JKL
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) May 16, 2026
કલેક્ટરની અધ્યક્ષતામાં હાજર અધિકારીઓએ તમામ મુદ્દાઓને સકારાત્મક અભિગમથી જોતાં ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવાની બાહેંધરી આપી છે. ચૈતર વસાવાએ આ બેઠકનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં જિલ્લાના વિકાસ અને લોકસુવિધાઓને પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે.
આ રજૂઆત નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં વિકાસની ઝડપ વધારવા અને લોકસમસ્યાઓને ત્વરિત ઉકેલવા માટે AAPના સતત પ્રયાસોને દર્શાવે છે. જિલ્લા વહીવટીતંત્ર હવે આ બધા મુદ્દાઓ પર કાર્યવાહી કરશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: VIDEO: ડાયરામાં અધધધ નોટોનો વરસાદ, ગાયક કલાકાર ઢગલામાં ઢંકાયો












