Budget/ ખેડૂતોને AI ટૂલ, મેડિકલ ટૂરિઝમ હબ ; બજેટમાં આ મોટી જાહેરાતો કરી

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2026 — કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા બજેટ 2026-27માં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સેવા ક્ષેત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે. બજેટનો મુખ્ય ઉદ્દેશ વિકસિત ભારત 2047’ના લક્ષ્યને હાંસલ કરવાનો છે.
ખેડૂતો માટે ‘ભારત વિસ્તાર AI એગ્રી ટૂલ’
નાણામંત્રીએ જાહેરાત કરી કે ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા માટે ‘ભારત વિસ્તાર AI એગ્રી ટૂલ’ લોન્ચ કરવામાં આવશે. આ ટૂલ દ્વારા પાક ઉત્પાદન, જમીન વ્યવસ્થાપન અને બજાર માહિતીમાં ખેડૂતોને મદદ મળશે.
દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ
મહિલાઓના શિક્ષણ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવાનો પ્રસ્તાવ લાવી છે, જેથી છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વધુ તકો મળી શકે.
આયુર્વેદ અને મેડિકલ ટૂરિઝમને પ્રોત્સાહન
બજેટમાં ત્રણ નવા અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનો સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.
તે ઉપરાંત, ભારતને વૈશ્વિક સ્તરે મેડિકલ ટૂરિઝમ હબ તરીકે વિકસાવવા માટે રાજ્યોની મદદથી દેશભરમાં 5 પ્રાદેશિક મેડિકલ ટૂરિઝમ હબ સ્થાપિત કરવાની યોજના રજૂ કરવામાં આવી છે.
સેવા ક્ષેત્ર માટે ઉચ્ચસ્તરીય સમિતિ
સેવા ક્ષેત્રને વિકસિત ભારતનું મુખ્ય એન્જિન બનાવવા માટે ‘એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ’ વિષય પર એક ઉચ્ચાધિકૃત સ્થાયી સમિતિ રચાશે.
આ સમિતિનો હેતુ 2047 સુધી વૈશ્વિક સેવા ક્ષેત્રમાં ભારતની 10 ટકા ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. સમિતિ વિકાસ, રોજગાર અને નિકાસની સંભાવનાઓને પ્રાથમિકતા આપશે તથા AI અને નવી ટેકનોલોજીનો રોજગાર અને કુશળતા પર થતો અસર અંગે ભલામણો આપશે.
પ્રવાસી ભારતીયો માટે રોકાણમાં છૂટ
રોકાણ વધારવા માટે વિદેશમાં વસતા ભારતીય નાગરિકો (PROI) ને પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ સૂચિબદ્ધ ભારતીય કંપનીઓના ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમની રોકાણ મર્યાદા 5 ટકાથી વધારી 10 ટકા કરવાની દરખાસ્ત છે.
🏦 બેંકિંગ ક્ષેત્ર માટે ઉચ્ચસ્તરીય સમિતિ
વિકસિત ભારતની નવી વિકાસ યાત્રા માટે બેંકિંગ ક્ષેત્રને તૈયાર કરવા સરકાર બેંકિંગ પર એક ઉચ્ચસ્તરીય સમિતિ રચશે, જે નાણાકીય સ્થિરતા, નાણાકીય સમાવેશ અને ગ્રાહક સુરક્ષાને ધ્યાનમાં રાખી વ્યાપક સમીક્ષા કરશે.
🚄 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત
પર્યાવરણને અનુકૂળ પેસેન્જર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે નીચેના 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર વિકસાવવામાં આવશે:
-
મુંબઈ–પુણે
-
પુણે–હૈદરાબાદ
-
હૈદરાબાદ–બેંગલુરુ
-
હૈદરાબાદ–ચેન્નઈ
-
ચેન્નઈ–બેંગલુરુ
-
દિલ્હી–વારાણસી
-
વારાણસી–સિલિગુડી
💸 કૅપિટલ એક્સપેન્ડિચર ₹12.2 લાખ કરોડ
નાણામંત્રીએ જાહેર કર્યું કે નાણાકીય વર્ષ 2026-27માં જાહેર મૂડી ખર્ચ (કૅપેક્સ) વધારીને ₹12.2 લાખ કરોડ કરવામાં આવશે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગાર સર્જનને નવી ગતિ આપશે.
આ પણ વાંચો : બજેટમાં મોટી જાહેરાત: દેશના દરેક જિલ્લામાં એક ગર્લ હોસ્ટેલ બનાવશે, એઈમ્સ જેવી 3 નવી હોસ્પિટલ ખોલશે












