અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
અમદાવાદના ચાંગોદરમાં નિર્દય હત્યા: મજાકમાં બે લાખની વાતે યુવકનો જીવ લીધો

અમદાવાદ, 11 ઓગસ્ટ 2025: અમદાવાદના ચાંગોદર વિસ્તારના તાજપુર ગામમાં એક ધ્રુજાવી દેતી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં મજાકમાં કહેલી બે લાખ રૂપિયાની વાતે બે પરપ્રાંતિય કર્મચારીઓએ સાથી યુવકની નિર્દય હત્યા કરી નાખી.
ઘટના અનુસાર, એક કંપનીમાં સાથે કામ કરતા ત્રણ કર્મચારીઓ મજાકમાં વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવકે મજાકમાં કહ્યું કે, “મારા ખાતામાં બે લાખ રૂપિયા પડ્યા છે.” આ વાત સાંભળી અન્ય બે પરપ્રાંતિય કર્મચારીઓની નીયત બગડી, અને તેઓએ લાલચમાં આવીને યુવકને લૂંટવાનું નક્કી કર્યું.
આરોપીઓએ યુવકને રેલવે ટ્રેક પાસે લઈ જઈ, દોરીથી તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દોરી તૂટી જતાં તેઓએ યુવકના જ બુટની દોરી કાઢીને તેના વડે ગળું દબાવી હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપીઓએ યુવકના ખાતાની તપાસ કરી, ત્યારે તેમાં બે લાખ રૂપિયાને બદલે માત્ર 850 રૂપિયા જ હોવાનું જાણવા મળ્યું. આરોપીઓએ આ રકમ અને મૃતકનો મોબાઈલ લઈ લીધો અને મોબાઈલ વેચી નાખ્યો.
ઓળખ છુપાવવા માટે આરોપીઓએ મૃતકના ટી-શર્ટથી તેનો ચહેરો ઢાંકીને સળગાવવાનો પ્રયાસ કર્યો અને મૃતદેહને નજીકના નાળામાં ફેંકી દીધો. આ ઉપરાંત, તેઓએ મૃતદેહને રેલવે ટ્રેક પર નાખીને અકસ્માતનો બનાવ બનાવવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો.












