BRS પ્રમુખ ચંદ્રશેખર રાવે પોતાની જ દીકરીને પાર્ટીમાંથી કરી સસ્પેન્ડ, જાણો શું છે શું છે કારણ

તેલંગાણાઃ 2 સપ્ટેમ્બર, 2025: BRS Suspend K Kavitha: ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)માં આંતરિક વિવાદે એક નવો વળાંક લીધો છે. પક્ષના વડા કે. ચંદ્રશેખર રાવે તેમની દીકરી અને વિધાન પરિષદ (MLC)ના સભ્ય કે. કવિતાને BRSમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. કવિતા સામે આ કાર્યવાહી પાર્ટી સંગઠનના વરિષ્ઠ નેતાઓની જાહેરમાં ટીકા કર્યા બાદ કરવામાં આવી છે.
પોતાના જ પક્ષ પર લગાવ્યો આરોપ
કે. કવિતાએ પોતાના જ પક્ષના વરિષ્ઠ નેતાઓ હરીશ રાવ અને સંતોષ રાવ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, આ નેતાઓએ તેમના પિતા અને બીઆરએસ સુપ્રીમો કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર)ની છબી ખરાબ કરવાનું કાવતરું ઘડ્યું છે. કવિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, આ કાવતરા પાછળ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનો હાથ છે.
BRSમાં આંતરિક વિવાદ
પાર્ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હી લિકર કૌભાંડમાં કથિત સંડોવણી બદલ જેલમાંથી મુક્ત થયા પછીથી કેસીઆર કવિતાથી દૂર રહ્યા છે. કવિતાએ આરોપ લગાવ્યો હતો કે, હરીશ રાવ, જોગીનપલ્લી સંતોષ કુમાર અને અન્ય લોકો સહિત કેસીઆરના નજીકના લોકો તેમની વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. તેમણે પોતાની નારાજગી જાહેર કરતા કહ્યું કે, ‘મેં હરીશ રાવ અને સંતોષ રાવના કાવતરાઓને સહન કર્યું છે. તેમની પાછળ રેવંત રેડ્ડી છે, જે કેસીઆરની છબી ખરાબ કરી રહ્યા છે.’
મુખ્યમંત્રી રેડ્ડી પર કવિતાના પ્રહાર
સોમવારે (પહેલી સપ્ટેમ્બર) એક નિવેદનમાં, કે. કવિતાએ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ સરકાર દરેક ક્ષણે કેસીઆરનું નામ લે છે પરંતુ પૂર જેવી આફતોમાં લોકોને મદદ કરવામાં નિષ્ફળ રહી છે. જ્યારે અમે સાંસદ હતા, ત્યારે કેસીઆર અમને છ મહિના અગાઉ યુરિયાની જરૂરિયાત વિશે ચેતવણી આપતા હતા. મેડિગડ્ડા કાલેશ્વરમ પ્રોજેક્ટનો એક નાનો ભાગ છે પરંતુ તે તેલંગાણા માટે એક મોટી સંપત્તિ છે. તેલંગાણામાં પાણી લાવવા માટે કેસીઆરે છ-સાત મહિના સુધી સંશોધન કર્યું હતું.’
કવિતાએ આગળ કહ્યું કે, ‘કેસીઆરે ક્યારેય પૈસાની પરવા નહોતી કરી, પરંતુ આજે તેમની છબી ભ્રષ્ટાચારથી કલંકિત થઈ રહી છે. આ ડાઘ તેમની આસપાસના લોકો, ખાસ કરીને હરીશ રાવ અને પૂર્વ રાજ્યસભા સાંસદ મેગા કૃષ્ણ રેડ્ડીના કારણે છે. હું સોશિયલ મીડિયા પર મને ટ્રોલ કરનારાઓને નહીં છોડું.’
બિહારમાં કોંગ્રેસ સામે પ્રચાર
કવિતાએ કોંગ્રેસ સરકાર પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે રેવંત રેડ્ડી જ્યાં સુધી કેસીઆરનું નામ ન લે ત્યાં સુધી તેમનો ફોટો અખબારોમાં નથી આવતો. ‘બિહાર ચૂંટણી માટે તેલંગાણાના પછાત સમુદાયને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. અમે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરીશું.’
કવિતાએ દાવો કર્યો કે સીબીઆઈ તપાસમાં કેસીઆર ‘મોતી જેવા શુદ્ધ’ સાબિત થશે.
વધુમાં તેમણે કહ્યું કે, ‘જો કેસીઆરને સીબીઆઈ તપાસનો સામનો કરવો પડે છે, તો પાર્ટીનો શું અર્થ છે?’
જોકે, હાલ કેસીઆર અને તેમના પુત્ર કેટી રામા રાવ (કેટીઆર) એરાવલી સ્થિત તેમના ફાર્મહાઉસ પર છે, જ્યારે કવિતા તેમના નિવાસસ્થાને છે અને કોઈને મળી નથી રહ્યા. આ દરમિયાન, કાલેશ્વરમ કેસમાં હરીશ રાવની તપાસ ચાલી રહી છે.
બીઆરએસના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કે. કવિતાના આ નિવેદનો પાર્ટીમાં તણાવ વધારી શકે છે. કવિતાના આરોપો પર હરીશ રાવ કે સંતોષ રાવ તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.
આ પણ વાંચોઃ દિલજીત દોસાંઝે પંજાબના 10 ગામો દત્તક લીધા, એમી વિર્કે 200 પૂરગ્રસ્ત ઘરોની જવાબદારી લીધી












