Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

દારૂ અને નશાની લત માનસિક બીમારી: બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો, આરોપીઓને મળવી જોઈએ આ ખાસ સુવિધા

મહારાષ્ટ્ર: 4 ઓક્ટોબર, 2025: Bombay High Court: બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે એક મહત્ત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું છે કે, દારૂ અને નશાની લત એ એક માનસિક બીમારી છે. સમાજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું કે, નશાના કારણે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓનો માનસિક ઉપચાર અને પુનર્વસન થવો જોઈએ.

ગેરકાયદે દારૂની સરળતાથી ઉપલબ્ધતા પર ચિંતા

હાઇકોર્ટે આ આદેશ ગયા અઠવાડિયે એક વ્યક્તિની જામીન અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો હતો, જેની ધરપકડ પત્નીના કથિત ઉત્પીડન અને હત્યાના આરોપમાં કરવામાં આવી હતી. જસ્ટિસ સંજય દેશમુખની ખંડપીઠે પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે દારૂ અને નશીલી દવાઓની સરળતાથી ઉપલબ્ધતા પર ચિંતા વ્યક્ત કરી.

ખંડપીઠે ટિપ્પણી કરી કે, ‘દેશની નવી યુવા પેઢીને પાડોશી દેશ તરફથી પ્રતિબંધિત નશીલી દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ આપણા દેશ વિરુદ્ધના યુદ્ધનો એક ભાગ છે.’

માનસિક સ્વાસ્થ્ય કાયદાનું કડક પાલન કરવાનો નિર્દેશ

ખંડપીઠે સંબંધિત અધિકારીઓ અને જિલ્લા અદાલતોને નિર્દેશ આપ્યો કે તેઓ માનસિક રીતે બીમાર આરોપીઓના ઉપચાર માટે માનસિક સ્વાસ્થ્ય કાયદો, 2017 (Mental Healthcare Act, 2017) ની જોગવાઈઓનું કડકપણે પાલન કરે, જ્યાં સુધી તેને સંપૂર્ણપણે સાજા ન થઈ જાય.

કોર્ટે કહ્યું કે જો જેલ પોલીસ, જેલ અધિકારીઓ અને અદાલતો આ પ્રક્રિયાનું પાલન કરશે, તો અપરાધોમાં ઘટાડો થશે અને સમાજને આવા લોકોની કાયદાકીય સમસ્યાઓમાંથી રાહત મળશે. આનાથી ગુનાશાસ્ત્ર અને દંડશાસ્ત્રમાં જણાવેલ સજાના સુધારાત્મક સિદ્ધાંતને પણ પૂરો કરી શકાશે.

આરોપી પ્રમોદ ધુલેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવાનો આદેશ

કોર્ટે CRPFમાંથી દારૂની લતને કારણે દૂર કરાયેલા આરોપી પ્રમોદ ધુલેની જામીન અરજી પર સુનાવણી કર્યા બાદ આ નિર્ણય આપ્યો. કોર્ટે કહ્યું કે આવા માનસિક રીતે બીમાર લોકોને ઉપચાર વિના જામીન આપવા યોગ્ય નથી, કારણ કે તેઓ ફરીથી ગેરકાનૂની કામ કરી શકે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઉપચાર અને પુનર્વસન સમાજની સુરક્ષા માટે જરૂરી છે.

આરોપીએ બાદમાં પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ કોર્ટે નાંદેડ જેલ અધિકારીઓને આદેશ આપ્યો કે તેને જિલ્લા હોસ્પિટલમાં માનસિક તપાસ અને ઉપચાર માટે લઈ જવામાં આવે. જો તે દારૂની લતને કારણે માનસિક રીતે બીમાર જણાશે, તો તે સંપૂર્ણપણે સાજો ન થાય ત્યાં સુધી પુનર્વસન કેન્દ્રમાં રાખવામાં આવે.

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેના ફરી સૂર બદલાયાઃ ફડણવીસ પર કર્યા પ્રહારઃ કહ્યુઃ ‘મારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી…’

આ પણ વાંચોઃ ઝુબિન ગર્ગની પત્નીએ પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરત કર્યો, ઝેરના આરોપ પર આપ્યું આ નિવેદન

Back to top button