ચૂંટણી બોન્ડ રદ થયા છતાં પણ ભાજપ માલામાલ, 2024-25માં મળ્યા 6,088 કરોડ, જાણો કોણે કેટલું દાન આપ્યું

ફેબ્રુઆરી 2024 માં, સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ સ્કીમને રદ કરી દીધી હતી. જોકે, તેનાથી રાજકીય પક્ષોને મળતા ફંડમાં કોઈ અસર થઈ હોય તેવુ લાગતુ નથી. બોન્ડ સ્કીમ રદ થયાના એક વર્ષ પછી, ભાજપને 2024-25 માં નોંધપાત્ર દાન મળ્યું. ભાજપના 2024-25 ના કન્ટ્રીબ્યુશન રિપોર્ટ મુજબ, પક્ષને આ સમયગાળા દરમિયાન 6,088 કરોડ દાનમાં મળ્યા. આ જ વર્ષે લોકસભાની ચૂંટણીઓ હતી. આ 2023-24 માં મળેલા 3,967 કરોડથી 53% વધુ છે. ભાજપે આ રિપોર્ટ 8 ડિસેમ્બરે રજૂ કર્યો હતો અને ગયા અઠવાડિયે ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. દરમિયાન, કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન 522.13 કરોડ દાનમાં મળ્યા, જે ભાજપ કરતા લગભગ 12 ગણા ઓછા છે.
ભાજપે 162 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો. 2024-25માં, ચૂંટણી ટ્રસ્ટોએ ભાજપને 3,744 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ કુલ દાનના 61% છે. બાકીના 2,344 કરોડ રૂપિયા અન્ય વ્યક્તિઓ દ્વારા આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટ સિવાય, ભાજપને જેણે સૌથી વધુ દાન આપ્યું, તેમાં ઘણી કંપનીઓ સામેલ છે.
દાન આપનારી કંપનીઓ
- સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ- 100 કરોડ
- રૂંગતા સન્સ પ્રાઇવેટ લિમિટેડ- 95 કરોડ
- વેદાંત લિમિટેડ- 67 કરોડ
- મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ- 65 કરોડ
- ડેરિવ ઇન્વેસ્ટમેન્ટ્સ- 53 કરોડ
- મોર્ડન રોડ મેકર્સ પ્રાઇવેટ લિમિટેડ- 52 કરોડ
- લોટસ હોમટેક્સ્ટાઇલ્સ લિમિટેડ- 51 કરોડ
- સફલ ગોયલ રિયલ્ટી એલએલપી- 45 કરોડ
- આઇટીસી લિમિટેડ- 39 કરોડ
- ગ્લોબલ આઇવી વેન્ચર્સ એલએલપી- 35 કરોડ
- આઇટીસી ઇન્ફોટેક ઇન્ડિયા લિમિટેડ- 33.5 કરોડ
- હીરો એન્ટરપ્રાઇઝ પાર્ટનર વેન્ચર્સ- 30 કરોડ
- મેનકાઇન્ડ ફાર્મા લિમિટેડ- 30 કરોડ
- સુરેશ અમૃતલાલ કોટક- 30 કરોડ
- હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ- 27 કરોડ
2024-25માં, ભાજપને 2019-20 પછી સૌથી વધુ દાન મળ્યું હતું. કોર્પોરેટ ગૃહો હવે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા બેંક ટ્રાન્સફર દ્વારા પક્ષોને દાન આપી શકે છે. પક્ષોએ તેમના કન્ટ્રીબ્યુશન રિપોર્ટ અને વાર્ષિક ઓડિટ અહેવાલોમાં દાન જાહેર કરવું જરૂરી છે, જે ચૂંટણી પંચને સુપરત કરવામાં આવે છે.
સરકારે 2017-2018માં ચૂંટણી બોન્ડ સ્કીમ શરૂ કરી હતી. ગયા વર્ષ સુધી, બોન્ડ રાજકીય પક્ષો માટે ફંડ લેવાનો મુખ્ય સ્ત્રોત હતો. આ સ્કીમ દ્વારા, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય પક્ષોને 16,000 કરોડથી વધુના અનામી દાન મળ્યા હતા. આ દાનનો મોટાભાગનો હિસ્સો ભાજપને ગયો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર: BJP ની ટિકિટ પરથી લડ્યા એક જ પરિવારના 6 સભ્યો, બધા હારી ગયા












