અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અલી ખાન મહમુદાબાદને મોટી રાહત, કેસ બંધ થશે

Professor Ali-khan Mahmudabad Gets Relief : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના આરોપમાં ચાલી રહેલા કેસમાં અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે તેમની વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપ્યો છે.
હરિયાણા સરકારે કહ્યું: અમે કેસ ચલાવવાની મંજૂરી નથી આપતા
સુપ્રીમ કોર્ટમાં હરિયાણા સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ જણાવ્યું કે સરકારે પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી નથી. તેમણે કહ્યું: “આ પ્રથમ કેસ છે. આવી સ્થિતિમાં અમે ઉદારતા દાખવીએ છીએ અને કેસ ચલાવવાની મંજૂરી આપતા નથી. આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. ફક્ત એટલું જ કહેવામાં આવે કે ભવિષ્યમાં આવી ટિપ્પણી ન કરવામાં આવે.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કોર્ટે કહ્યું: ચેપ્ટર ક્લોઝ
હરિયાણા સરકારના આ નિવેદન બાદ ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું કે “જો સરકાર મંજૂરી નથી આપતી તો આ કેસ અહીં જ સમાપ્ત થઈ જાય છે.” આ સાથે કોર્ટે કેસ બંધ કરવાનો આદેશ આપ્યો. 3 માર્ચ, 2026ના રોજ જ કેસ ચલાવવાની મંજૂરી ન આપવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
પ્રોફેસરના વકીલે કહ્યું: આભાર
મહમૂદાબાદના વકીલ સિદ્ધાર્થ લૂથરાએ કોર્ટને કહ્યું કે “આવો નિર્ણય લેવા બદલ અમે આભારી છીએ.” ચીફ જસ્ટિસે જવાબમાં કહ્યું કે “કેટલીક વખત અસ્પષ્ટ લખાણ વધુ સમસ્યા ઊભી કરી દે છે. સ્થિતિ ખૂબ સંવેદનશીલ હોય ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે.” તેમણે યાચિકાર અલી ખાન મહમૂદાબાદને સંબોધીને કહ્યું કે “તેઓ ખૂબ ભણેલા-ગણેલા વ્યક્તિ છે. ભવિષ્યમાં તેમણે વધુ પરિપક્વતા દાખવવી જોઈએ.”
કોર્ટે હરિયાણા સરકારને 6 મહિનાનો સમય આપ્યો હતો
આ પહેલાં જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને 6 અઠવાડિયાનો સમય આપ્યો હતો કે તે વિચાર કરે કે મહમૂદાબાદ વિરુદ્ધના કેસ પરત ખેંચી શકાય કે નહીં. ચીફ જસ્ટિસે ત્યારે કહ્યું હતું કે “પહેલી વખતની વાત છે તો અમે રાહત આપવાનું વિચારી રહ્યા છીએ, પરંતુ ભવિષ્યમાં આવું ન થાય તેવી અપેક્ષા છે.” હવે સરકારે ઉદારતા દાખવીને કેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ સાથે જ ચેતવણી પણ આપી છે.
આ નિર્ણયથી પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને મોટી રાહત મળી છે અને આ કેસ અહીં સમાપ્ત થયો છે.
આ પણ વાંચો : સુરતના પાંડેસરા વિસ્તારની ચકચારી ઘટના: ચાર સગીરોનો ધો. 10ના વિદ્યાર્થી પર ચપ્પુથી જીવલેણ હુમલો












