રાજ્યની તમામ કોલેજ-યુનિવર્સિટી માટે મોટા સમાચાર
ગુજરાત રાજયની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ માટે સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યા કિસ્સાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ તથા કોલેજોમાં મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની રહેશે. આ સાથે વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગ કરવા પણ સૂચના અપાઈ છે.
રાજય સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી કોલેજો અને યુનિવર્સિટિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધતો જોવા મળી રહ્યો છે, જેને ગંભીરતાથી લઈ સરકારએ તમામ કોલેજો, યુનિવર્સિટીઓ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં મેન્ટલ હેલ્થ પોલિસી ફરજિયાત રીતે અમલમાં મૂકવાની રહેશે. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત બનાવવાનો અને તેમને સમયસર સહાય મળી રહે તે છે.
સરકાર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, દરેક શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓ માટે નિયમિત કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવી પડશે. મહત્વની વાત એ છે કે, હવે દર 100 વિદ્યાર્થીઓ દીઠ એક કાઉન્સેલર રાખવો ફરજિયાત રહેશે. જેથી દરેક વિદ્યાર્થી સુધી યોગ્ય ધ્યાન પહોંચાડી શકાય અને કોઈપણ વિદ્યાર્થી એકલો ન અનુભવે. તે ઉપરાંત, ખાનગી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે પણ ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. હવે કોઈ પણ ખાનગી સંસ્થા વિદ્યાર્થીઓને પર્ફોર્મન્સના આધારે અલગ પાડવાની પદ્ધતિ અપનાવી શકશે નહીં. સરકારનું માનવું છે કે આવી પદ્ધતિથી વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ વધી શકે છે.












