પ્લેન ક્રેશ મામલે મોટી સફળતા, બ્લેક બોક્સ મળ્યું; હવે રહસ્યો ખૂલશે

અમદાવાદ, 13 જૂન 2025 : અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થયેલા પ્લેન ક્રેશમાં 290 લોકોએ જીવ ગુમાવ્યા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (ઉ.વ.69) પણ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે સર્ચ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. આ બોક્સથી પ્લેન દુર્ઘટના કયા કારણોસર થઈ તેનું કારણ સામે આવી શકશે. વિમાનના બ્લેક બોક્સ(Black Box)ને ટેકનિકલ ભાષામાં ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (Flight Data Recorder) પણ કહેવામાં આવે છે.આ બ્લેક બોક્સ બધા વિમાનમાં રાખવામાં આવે છે
બ્લેક બોક્સનો રંગ
બ્લેક બોક્સ સામાન્ય રીતે ઓરેન્જ કલરનું હોય છે. તે ઓરેન્જ કલરનું હોવાથી દુર્ઘટના જેવી પરિસ્થિતિમાં તેને શોધવું સરળ બને છે. બ્લેક બોક્સ સ્ટીલ અને ટાઇટેનિયમથી બનેલું હોય છે. તે વિવિધ પ્રકારના સિગ્નલો, વાતચીત અને ટેકનિકલ ડેટા રૅકોર્ડ કરે છે. તેમાં બે પ્રકારના રૅકોર્ડર છે. ડિજિટલ ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (DFDR) અને કોકપિટ વોઇસ રૅકોર્ડર (CVR).
ડિજિટલ ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (DFDR)
ડિજિટલ ફ્લાઇટ ડેટા રૅકોર્ડર (DFDR) વિમાનની સ્પીડ, ઊંચાઈ, વિમાનની વર્ટિકલ મોશન, ફ્લાઇટ ટ્રેક જેવા ઘણાં ડેટા રૅકોર્ડ કરે છે. તે એન્જિન વિશેની માહિતી જેમ કે ઇંધણ ફ્લો અને થ્રસ્ટ(Thrust) પણ સ્ટોર કરે છે. આ ઉપરાંત ફ્લાઇટ નિયંત્રણ, દબાણ, ઇંધણ વગેરે જેવા લગભગ 90 પ્રકારના ડેટાની 24 કલાકથી વધુ રૅકોર્ડ કરેલી ઈન્ફોર્મેશન પણ ડિજિટલ ફ્લાઇટ ડેટા રૅકોર્ડરમાં હોય છે.
કોકપિટ વોઇસ રૅકોર્ડર (CVR)
કોકપિટ વોઇસ રૅકોર્ડર(CVR)માં પાયલોટ અને તેના કો-પાયલોટ વચ્ચે થતી વાતચીત અને અન્ય અવાજો રૅકોર્ડ થાય છે. તે કોકપિટ અને ATC (એર ટ્રાફિક કંટ્રોલ) વચ્ચે રેડિયો પર થતી વાતચીતને પણ રૅકોર્ડ કરે છે. એર ટ્રાફિક કંટ્રોલ એટલે ગ્રાઉન્ડ સ્ટાફ જે પાયલોટને ફ્લાઇટ ઉડાવવામાં મદદ કરે છે. તે સમગ્ર ફ્લાઇટ દરમિયાન રેડિયો દ્વારા પાયલોટ સાથે કનેક્ટ હોય છે.
આ પણ વાંચો : આમરણના કેરાળી ગામનો અનોખો નિર્ણય, જુઓ કોણ સંભાળશે શાસનધુરા












