અમદાવાદ પ્લેન ક્રેશમાં બ્લેક બોક્સને કેવી રીતે થયું નુકસાન? જાણો કેવી રીતે રિકવર કરવામાં આવશે ડેટા

અમદાવાદઃ 20 જૂન, 2025: Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ફ્લાઇટ ક્રેશ થયાના લગભગ 28 કલાક પછી બ્લેક બોક્સ મળી આવ્યું હતું. પરંતુ આ અકસ્માતમાં બ્લેક બોક્સને પણ ઘણું નુકસાન થયું છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, બ્લેક બોક્સ ક્રેશ દરમિયાન અથવા પડવાના કારણે નુકસાન થયું હશે.
મળતી માહિતી મુજબ, બ્લેક બોક્સ હાલમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની દેખરેખ હેઠળ છે અને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બ્લેક બોક્સની બાહ્ય રચનામાં ઘણું નુકસાન થયું છે અને જો તેને કાળજીપૂર્વક સંભાળવામાં ન આવે તો તેમાં સંગ્રહિત ઇન્ટરનલ ડેટાને નુકસાન થઈ શકે છે.
અમેરિકા મોકલવામાં આવશે બ્લેક બોક્સ?
આ અગાઉ એવી માહિતી સામે આવી હતી કે, બ્લેક બોક્સ ડેટા રિકવરી માટે અમેરિકા મોકલવામાં આવી શકે છે. ત્યારબાદ, ભારતમાં ડેટા રિકવર થઈ શકશે કે નહીં તે અંગે પ્રશ્નો ઊભા થવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે, બ્લેક બોક્સમાં બે યુનિટ છે. એક કોકપીટ વોઈસ રેકોર્ડર અને બીજું ફ્લાઇટ ડેટા રેકોર્ડર.
પ્લેન ક્રેશમાં બ્લેક બોક્સના બંને યુનિટને નુકસાન થયું
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બંને યુનિટને નુકસાન થયું હતું, પરંતુ તેમાંથી એકને વધુ ગંભીર નુકસાન થયું હતું. બ્લેક બોક્સ સાથે કઈ પ્રક્રિયા અપનાવવામાં આવશે તે ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે. જો ભારતમાં તેમાંથી ડેટા રિકવર નથી થઈ શકતા, તો તે અમેરિકાના NTSB, યુનાઇટેડ કિંગડમના સિવિલ એવિએશન ઑથોરિટી અથવા સિંગાપોર મોકવામાં આવી શકે છે.
બાઇનરી ફોર્મમાં રેકોર્ડ થાય છે ડેટા
ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર બંનેમાં ડેટા બાયનરી સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. તેને લેબમાં એન્જિનિયરિંગ ફોર્મેટમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને પછી તેને એક્સેસ કરવામાં આવે છે. ડેટા એક્સેસ કર્યા પછી, એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતુ તપાસકર્તાઓએ અન્ય સ્ત્રોતો પર પણ વિચાર કરવો પડશે.
યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે જણાવ્યું હતું કે, ફ્લાઇટ ડેટા રેકોર્ડરના ડેટામાંથી કમ્પ્યુટર-એનિમેટેડ વિડિયો બનાવી શકાય છે, જેનાથી ક્રેશની છેલ્લી ક્ષણો જોવાનું શક્ય બને છે. બ્લેક બોક્સના બંને યુનિટ ક્રેશના કારણો શોધવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચોઃ માંગમાં સિંદૂર અને માથા પર પલ્લુ, રેખાજીનો આ અંદાજ જોઈને ચાહકોએ કર્યા ભરપૂર વખાણ
આ પણ વાંચોઃ જામનગરમાં સાસુના ત્રાસથી કંટાળી જઈ યુવકે કર્યો આપઘાત પોલીસ તપાસમાં શું થયો ખુલાસો?












