ગોવા અગ્નિકાંડ બાદ હવે ભુવનેશ્વરની નાઈટ ક્લબમાં લાગી ભીષણ આગ, ચારે તરફ ધુમાડાના ગોટા જોવા મળ્યા

ભુવનેશ્વર, 12 ડિસેમ્બર 2025: ગોવાની નાઈટ ક્લબમાં ભીષણ અગ્નિકાંડ બાદ હવે ભુવનેશ્વરમાંથી એક મોટી આગની ઘટના સામે આવી છે. આ આગ લાગ્યા બાદ ઈમારતમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ આગ કેવી રીતે લાગી હતી. આ આગ ખાલી નાઈટ ક્લબમાં જ નહીં પણ બાજુમાં આવેલી ફર્નિચરની દુકાનમાં પણ ભીષણ આગની જ્વાળાઓ પહોંચી ગઈ હતી. જેના કારણે લાકડાનો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આગ લાગતા જ પવનના કારણે આગની સ્થિતિ ફેરવાઈ ગઈ અને આખા વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ. જેના કારણે કેટલીય કલાકો સુધી સ્થિતિ ખૂબ જ ડરામણી રહી હતી.
ઘટનાની માહિતી મળતાં, ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા. ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી અને આગને અન્ય દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં ફેલાતી અટકાવવાનો પ્રયાસ શરૂ કર્યો. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ગોવાની ઘટના પછીની ઘટનાઓ
આ ઘટના ગોવામાં એક મોટા નાઈટક્લબમાં આગ લાગ્યાના થોડા દિવસો પછી બની છે, જેમાં 25 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ, ઓડિશા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ (OFES) એ 100 થી વધુ બેઠક ક્ષમતા ધરાવતા તમામ રેસ્ટોરાં અને સ્વતંત્ર સંસ્થાઓનું રાજ્યવ્યાપી ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. ગોવાની ઘટના અંગે, નાઈટક્લબના માલિકો, લુથ્રા ભાઈઓની થાઈલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલમાં તેમને ગોવા પ્રત્યાર્પણ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઘટનાના સંદર્ભમાં લુથ્રા ભાઈઓ, સૌરભ અને ગૌરવના પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે પત્ની સાથે શરીરસુખ માણતો વીડિયો વાયરલ કર્યો












