ભાવનગર-પોરબંદર ટ્રેનને ખોડિયાર મંદિર રેલવે સ્ટેશન પર હોલ્ટ અપાયો, શ્રદ્ધાળુઓને થશે ફાયદો

ભાવનગર, તા. 13, સપ્ટેમ્બર, 2025: ભાવનગર-પોરબંદર-ભાવનગર દૈનિક પેસેન્જર ટ્રેનને આગામી 11 સપ્ટેમ્બરથી ખોડિયાર મંદિર રેલવે સ્ટેશન પર હોલ્ટ આપવાનો નિર્ણય લેવાયો હતો. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ભાવનગર-પોરબંદર ટ્રેનનું ખોડિયાર મંદિર સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાયું હતું. ભાવનગર-બોટાદ સંસદીય મતવિસ્તારના સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસો અને શ્રી આઈ શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદથી પ્રદેશના લોકોની લાંબા સમયથી ચાલતી માંગણી પૂર્ણ થઈ હતી. આ નિર્ણયથી ભક્તો અને મુસાફરોને મોટી સુવિધા મળશે અને ખોડિયાર ધામ આવતા અને જતા મુસાફરોને સીધો ફાયદો થશે.
આ પ્રસંગે સંસદ સભ્ય નીમુબેન બાંભણીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો ખાસ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે- “ભક્તો અને મુસાફરોની આ લાંબા સમયથી ચાલી આવતી માંગણી પૂર્ણ કરીને, સરકારે માત્ર જાહેર સુવિધાઓને પ્રોત્સાહન આપ્યું નથી પરંતુ પ્રદેશની શ્રદ્ધાનું પણ સન્માન કર્યું છે. ખોડિયાર માતાજીના આશીર્વાદથી, ભાવનગર-બોટાદ સંસદીય મતવિસ્તારમાં વિકાસનો કાફલો સતત આગળ વધી રહ્યો છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસફારોની સુવિધાને ધ્યાનમાં રાખી ભાવનગર ટર્મિનસથી બપોરે 3 કલાકે પોરબંદર માટે પ્રસ્થાન કરતી ટ્રેનને બપોરે 3.20 કલાકે ખોડિયાર મંદિર સ્ટેશન પર ઉભી રાખવામાં આવશે. અહીં એક મિનિટ હોલ્ટ કર્યા બાદ ટ્રેન આગળ તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થઈ રાત્રે 10.10 કલાકે પોરબંદર પહોંચશે. તેવી જ રીતે પોરબંદરથી સવારે 7.30 કલાકે ભાવનગર આવતી ટ્રેન બપોરે 1.24 કલાકે ખોડિયાર મંદિર સ્ટેશન પર ઉભી રહી 1.25 કલાકે રવાના થશે અને બપોરે 2.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનનો હોલ્ટ, રચના અને સમયપત્રક સહિતની વિગતવાર માહિતી ભારતીય રેલવેની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીનું મિશન ગુજરાત કેમ સ્પીડ પકડી રહ્યું નથી?












