ટ્રેન્ડિંગનેશનલ

પતિનો જીવ બચાવવા પત્ની રસ્તા પર હાથ જોડતી રહી, ન ડૉક્ટરોએ ન રાહદારીઓએ કરી મદદ, કમોતે જીવ ગુમાવ્યા છતા પરિવારે દાન કરી આંખો

કર્ણાટકઃ 17 ડિસેમ્બર, 2025: ભારતની ‘સિલિકોન વેલી’ ગણાતા બેંગલુરુ શહેરમાંથી માનવતા મરી પરવારી હોય તેવી એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. દક્ષિણ બેંગલુરુમાં એક પત્ની પોતાના પતિનો જીવ બચાવવા હોસ્પિટલના ઉંબરાથી લઈને રસ્તા પર પસાર થતા લોકો સામે આજીજી કરતી રહી, પરંતુ તેને સમયસર કોઈની મદદ મળી નહીં. અંતે, હોસ્પિટલોની બેદરકારી અને લોકોની ઉદાસીનતાને કારણે 34 વર્ષીય યુવકે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલોની ગંભીર બેદરકારી

બાલજી નગરના રહેવાસી વેંકટરમણનને અચાનક છાતીમાં સખત દુખાવો ઉપડ્યો હતો. પત્ની તાત્કાલિક પતિને લઈને નજીકની હોસ્પિટલ પહોંચી, પરંતુ ત્યાં કોઈ ડૉક્ટર હાજર નહોતા. ત્યાંથી તે બીજી હોસ્પિટલ ગઈ, જ્યાં ECG રિપોર્ટમાં હાર્ટ અટેકની પુષ્ટિ થઈ. આશ્ચર્યની વાત એ છે કે, હોસ્પિટલ સ્ટાફે ન તો ઈમરજન્સી સારવાર શરૂ કરી કે ન તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી. લાચાર પત્ની પોતાના પતિને બાઈક પર બેસાડીને અન્ય હોસ્પિટલ જવા નીકળી હતી.

CCTV માં કેદ થઈ રસ્તા પરની લાચારી

જ્યારે પત્ની પતિને બાઈક પર લઈને જઈ રહી હતી, ત્યારે રસ્તામાં તેમનું અકસ્માત થયું. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, મહિલા રસ્તા પરથી પસાર થતા લોકો સામે હાથ જોડીને મદદની ભીખ માંગી રહી હતી, પરંતુ કોઈ ઊભું રહ્યું નહીં. થોડીવાર પછી એક કેબ ડ્રાઈવર દયા બતાવીને ઉભો રહ્યો અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડૉક્ટરોએ વેંકટરમણનને મૃત જાહેર કર્યા.

છૂટો પડ્યો પરિવાર, છતાં બતાવી ઉદારતા

મૃતક વેંકટરમણનના પરિવારમાં પત્ની ઉપરાંત 5 વર્ષનો પુત્ર, 18 મહિનાની પુત્રી અને વૃદ્ધ માતા છે. આટલી મોટી દુર્ઘટના અને સિસ્ટમની નિષ્ફળતા છતાં, પરિવારે વેંકટરમણનની આંખોનું દાન કરીને અન્ય કોઈના જીવનમાં અજવાળું પાથરવાનો ઉમદા નિર્ણય લીધો છે.

 

Back to top button