ટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

બેંકોને પ્રથમ વખત રૂ.3 લાખ કરોડથી વધુ લાભ, આ વર્ષે આઈટી કંપનીઓ કરતાં થયો ત્રણ ગણો વધુ નફો

  • બેંકોએ એક નાણાકીય વર્ષમાં કર્યો 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો નફો
    ખાનગી બેંકોનો નફો 42 ટકા વધીને રૂ. 1.7 લાખ કરોડ થયો
    પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું બેન્કિંગ સેક્ટરે 10 વર્ષમાં કર્યું સારું પ્રદર્શન

નવી દિલ્હી,21 મે: ભારતના બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલા સારા સમાચાર સામે આવ્યા છે. ઈતિહાસમાં પ્રથમ વખત બેંકોએ એક નાણાકીય વર્ષમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં બેન્કોએ IT કંપનીઓ કરતાં ત્રણ ગણો વધુ નફો કર્યો છે. ખાનગી બેંક HDFCને સૌથી વધુ ફાયદો થયો છે.

બેલેન્સ શીટમાં સુધારાના આધારે દેશના બેંકિંગ સેક્ટરે પ્રથમ વખત 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો નફો મેળવ્યો છે. જાહેર અને ખાનગી બેંકોનો નફો 2023-24માં વાર્ષિક ધોરણે 40.90% વધીને રૂ.3.1 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. 2022-23માં તે રૂ.2.2 લાખ કરોડ હતો. ખાસ વાત એ છે કે ગત નાણાકીય વર્ષમાં બેંકોએ IT કંપનીઓ કરતા વધુ નફો કમાયો છે. રૂ.3 લાખ કરોડનો આ આંકડો પાછલા નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટર દરમિયાન તમામ લિસ્ટેડ કંપનીઓના નફાની લગભગ સમાન છે. 2023-24માં લિસ્ટેડ IT સર્વિસિસ કંપનીઓનો ચોખ્ખો નફો આશરે રૂ.1.1 લાખ કરોડ રહ્યો છે.

ડેટા અનુસાર, કુલ નફામાં જાહેર ક્ષેત્રની બેંકો (PSB)નો હિસ્સો 45.80 ટકા એટલે કે રૂ.1.42 લાખ કરોડ હતો. જે 2022-23ની સરખામણીમાં 34 ટકા વધુ છે. ખાનગી બેંકોનો નફો 42 ટકા વધીને રૂ. 1.7 લાખ કરોડ થયો છે, જે કુલ નફાના 54.83 ટકા છે.

PSB ખાનગી બેન્કો સાથેનું અંતર ઓછું કરી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં, PSB તેમની બેલેન્સશીટમાં સુધારો કરીને અને કમાણીમાં વધારો કરીને ખાનગી બેન્કો સાથેના નફાના તફાવતને ઘટાડી રહી છે. જાહેર ક્ષેત્રની બેંકોનો ચોખ્ખો નફો ત્રણ વર્ષમાં ચાર ગણાથી વધુ વધ્યો છે. જો ઘણી બેંકોએ પેન્શન માટે એકસાથે જોગવાઈ ન કરી હોત, તો PSBએ વધુ નફો મેળવ્યો હોત.

ડેટા અનુસાર, જાહેર ક્ષેત્રની બેંકો 2017-18માં 85,390 કરોડ રૂપિયાની ખોટમાં હતી. 2023-24માં કુલ 12 જાહેર ક્ષેત્રની બેંકોએ રેકોર્ડ નફો કર્યો છે. જે બેંકોના નફામાં 50 ટકાથી વધુનો વધારો થયો છે તેમાં બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો સમાવેશ થાય છે.

પહેલા ગરીબો માટે બેંકોના દરવાજા બંધ હતા

આ ઉપલબ્ધિ અને બેન્કિંગની લાંબી સફર અંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બેન્કિંગ સેક્ટરે 10 વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે. યુપીએના સમયમાં ફોન બેંકિંગના કારણે બેંકો ખોટ અને એનપીએનો સામનો કરી રહી હતી. ગરીબો માટે બેંકોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:  સુષ્મિતા સેનને યાદ આવ્યો ‘મિસ યુનિવર્સ’નો મંચ, ઐતિહાસિક જીતના 30 વર્ષની કરી આ રીતે ઉજવણી!

Back to top button