
અમદાવાદ, 25 ડિસેમ્બર 2025: અમદાવાદનો સૌથી વ્યસ્ત અને અકસ્માતપ્રવણ એસ.જી. હાઈવે ફરી એકવાર લોહીલુહાણ થયો છે. મોડી રાત્રે રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે આગળ જતી પેસેન્જર કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કરની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે કાર રોડના ડિવાઈડર પર ચઢી ગઈ અને વાહનના ફુરચા ઉડી ગયા. કારને વ્યાપક નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કારમાં સવાર પરિવારના તમામ સભ્યો આબાદ બચી ગયા.
ઘટના મોડી રાત્રે પકવાન ચાર રસ્તાથી ઇસ્કોન બ્રિજ તરફ જઈ રહેલા ડમ્પર સાથે બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડમ્પર ચાલકે ગતિ પર કાબૂ ગુમાવતાં આગળ જતી કારને ફંગોળી દીધી. અકસ્માતના સમાચાર ફેલાતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દ્રશ્યો ઇસ્કોન બ્રિજ પર અગાઉ થયેલા તથ્યકાંડની યાદ તાજી કરાવી રહ્યા હતા, જ્યાં લોકોના ટોળામાં વાહન ઘૂસી જવાથી મોટી જાનહાનિ થઈ હતી.
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી અને નિંદનીય બાબત પોલીસનું વલણ રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, ઘટનાસ્થળે પોલીસ હાજર હોવા છતાં ટ્રાફિક પોલીસે કહ્યું કે “અમને હજુ સુધી કોઈ વર્ધી (સત્તાવાર જાણ) મળી નથી.” આ કારણે તાત્કાલિક કાર્યવાહી ન થઈ અને ટોળું વધુ ખતરનાક બન્યું. જો પાછળથી કોઈ અન્ય વાહન ટોળામાં ઘૂસી ગયું હોત, તો મોટી ઘટના સર્જાઈ શકી હોત. પોલીસની આ બેદરકારીએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે કે શું પોલીસ મોટો કાંડ થાય તેની જ રાહ જોઈ રહી છે?
હાલ સુધી આ ઘટનામાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, જે પોલીસની ઢીલી નીતિને સ્પષ્ટ કરે છે. શહેરમાં રાત્રિના સમયે ડમ્પર અને હેવી વાહનોના ચાલકો કાયદાનો ડર ભૂલીને બેફામ ગતિએ વાહન હંકારે છે, જેના કારણે આવા અકસ્માતો વારંવાર બની રહ્યા છે. સ્થાનિક વાહનચાલકો અને નાગરિકોમાં ભારે રોષ છે કે એસ.જી. હાઈવે જેવા હાઈ-પ્રોફાઈલ રોડ પર પણ પોલીસ આટલી બેદરકાર હોય, તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું થશે?
આ પણ વાંચો: ડૉ. જે. પી. મોદીએ ગરીબ યુવકની જટિલ કરોડરજ્જુની સર્જરી સફળતાપૂર્વક કરી, આપ્યું નવું જીવન












