Success Storyટ્રેન્ડિંગનેશનલવિશેષસંવાદનો હેલ્લારો

એક શિક્ષિત છોકરી પરિવારને તારે! ના, એ તો ગામને, રાજ્યને અને દેશને પણ તારે! એવી છે સુરભિની મહાગાથા

મંડી, હિમાચલ પ્રદેશ: 26 જુલાઈ, 2025ઃ Success Story સફળતાની આ મહાગાથા છે એક એવી છોકરીની જે પરંપરાથી કંઈક આગળ કરવા માગતી હતી. આ કારણે તેને વાચન પ્રત્યે ખૂબ લગાવ થયો. તેને સતત વાંચતી જોઈને જોકે એક દિવસ તેનાં માતા-પિતાએ જે કહ્યું એ બાબતે તેનું આખું જીવન પરિવર્તિત કરી દીધું. “વાંચે તો છે પણ આ વાંચન તો જ કામનું જ્યારે ગામ માટે કંઈક કામ લાગે…” આ તે શબ્દો હતા જે સુરભિ યાદવનાં માતા-પિતાએ તેમના બાળપણમાં કહ્યા હતા. આ વાતને સુરભિએ દિલથી સ્વીકારી અને પોતાના સ્વપ્નની સાથે-સાથે બીજી એવી અનેક યુવતીઓનાં સ્વપ્ન સાકાર કરવાની દિશામાં આગળ વધવા મક્કમ બની જે યુવતીઓ પણ રૂઢિગત પરંપરાથી આગળ વધવા માગતી હતી. શરૂઆત થઈ બિહારની બે યુવતીઓ- ફૂલા કુમારી અને સંતોલી કુમારી સાથે. જોતજોતામાં ‘સાઝે સપને’ નામે એક કાર્યક્રમની શરૂઆત થઈ. આ એક એવું કેન્દ્ર છે જે ગ્રામીણ વિસ્તારોની યુવતીઓને કુશળ અને સક્ષમ બનાવે છે એટલું જ નહીં પરંતુ પોતાને અબળા માનતી છોકરીઓની વિચારસરણીને પણ બદલી રહ્યું છે.

‘સાઝે સપને’ કાર્યક્રમ હેઠળ ગ્રામીણ યુવતીઓ માટે ‘સપના સેન્ટર’ શરૂ કરવામાં આવ્યું જ્યાં છોકરીઓ નવી તકો માટે પોતાને તૈયાર કરે છે. સામાન્ય રીતે જ્યારે ગામડાની કોઈ યુવતીને કંઈક શીખવવાની વાત આવે તો લોકોના મનમાં દરજીકામ, ભરતકામ કે અથાણા-પાપડ-ખાખરાનો વ્યવસાય આવે. પરંતુ ‘સાઝે સપને’ આ પરંપરાગત અને ઉપયોગી કામગીરીને બદલે ગ્રામીણ મહિલાઓને સ્થિર નોકરીઓ મેળવવામાં મદદ કરી રહ્યું છે. ‘સાઝે સપને’ની શરૂઆત કરનાર સુરભિ યાદવનું લક્ષ્ય છે કે દેશનાં ગામડાઓની યુવતીઓ અને મહિલાઓને પોતાના સપનાં પૂરા કરવાની તક મળે.

‘સાચો સ્વાદ’ના નામે પોતાની વફલ બ્રાન્ડ બનાવીને સુરતના તન્વીબેન જોગાણી બન્યા આત્મનિર્ભર

એક મીડિયા અહેવાલ અનુસાર સુરભિ મૂળભૂત રીતે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના છે. પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ આઈઆઈટી દિલ્હી પહોંચ્યા. તેમના મનમાં એક જ વિચાર હતો કે તેમનું શિક્ષણ ગામ માટે કેવી રીતે ઉપયોગી બનશે? શિક્ષણ પછી સામાજિક ક્ષેત્રે કામ કરવાનો નિર્ણય લીધો અને તેથી તેમણે પ્લેસમેન્ટની તક મળી હતી તે પણ છોડી દીધી. થોડા સમય બાદ તેઓ માસ્ટર ડિગ્રી માટે અમેરિકા ગયા. પરત ફર્યા બાદ તેમણે નક્કી કર્યું કે ગ્રામીણ મહિલાઓ માટે કંઈક કરવું છે, તેમને આગળ વધવા માટે તૈયાર કરવી છે.

કેવી રીતે થઈ ‘સાઝે સપને’ની શરૂઆત?

દુનિયામાં અને દેશમાં કોવિડ મહામારી સમયે સુરભિ સ્વયંસેવક તરીકે સામાજિક કાર્યોમાં જોડાયેલા હતા. આ સમયે તેમનો સંપર્ક બિહારની બે છોકરીઓ- ફૂલા કુમારી અને સંતોલી કુમારી સાથે થયો. સુરભિએ ત્યારે સંતોલીને સ્માર્ટફોન મેળવવામાં મદદ કરી રહી હતી જેથી તે 12મા ધોરણ પછી કંઈક શીખી શકે. આ વાતચીત દરમિયાન ફૂલાએ સુરભિને કહ્યું, “તમે મને ગમે તે શીખવો, હું શીખવા તૈયાર છું.” આ પછી ત્રણેય વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ. દરરોજ બપોરે 12 થી 1 વાગ્યા સુધી આ ત્રણેય વાતો કરતા. ત્યારબાદ ફૂલા અને સંતોલીએ અન્ય કેટલીક યુવતીઓને પણ જોડી. વાતચીતમાં દરેક યુવતીની જિજ્ઞાસા, તેમના સપનાં વિશે ચર્ચા થતી. એક દિવસ સુરભિએ કહ્યું કે પોતે જે કંઈ અમેરિકામાં શીખ્યા તે તમે પણ કરી શકો છો. સંતોલીએ કહ્યું, “દીદી, તમે કોર્સ તૈયાર કરો, અમે બધા તૈયાર છીએ.” અને આ રીતે 2021માં ‘સાઝે સપને’ અને તેના પ્રથમ ‘સપના સેન્ટર’ની શરૂઆત થઈ.

સુરભિ જણાવે છે કે ‘સાઝે સપને’ શરૂ કરવા માટે જ્યારે નાણાંની જરૂર પડી, ત્યારે તેમણે ક્રાઉડફંડિંગ શરૂ કર્યું અને માત્ર ત્રણ દિવસમાં 26 લાખ રૂપિયા એકઠા થયા. આ નાણાંથી હિમાચલ પ્રદેશના કંડબારી ગામમાં 27-28 યુવતીઓ સાથે ‘સાઝે સપને’ની પ્રથમ બેચ શરૂ થઈ. આ ‘સપના સેન્ટર’ એક એવી જગ્યા હતી, જ્યાં યુવતીઓ આવતી, વાતો કરતી, રમતી અને આધુનિક કૌશલ્યો શીખતી. ધીમે-ધીમે આ કાફલો વધતો ગયો અને ‘સાઝે સપને’ની ચર્ચા દૂર-દૂરના વિસ્તારોમાં થવા લાગી.

‘તમે સરહદનું રક્ષણ કરો, અમે તમારા પરિવારનું ધ્યાન રાખીશું…’ કારગિલ વિજય દિવસ નિમિત્તે સૈનિકોને શું ખાસ ભેટ મળી?

છેલ્લા ચાર વર્ષમાં ‘સાઝે સપને’ના કેન્દ્રએ ત્રણ રીતે મહિલાઓની પ્રગતિના માર્ગ ખોલ્યા છે. તેમને મેનેજમેન્ટ કોર્સ શીખવ્યો, જેને તેઓ ‘મિની એમબીએ’ કહે છે, કોડિંગ શીખવ્યું અને પ્રાથમિક શિક્ષણનો કોર્સ કરાવ્યો. જે યુવતીઓએ ક્યારેય લેપટોપ પણ ખોલ્યું ન હતું, તે આજે કોડિંગ કરે છે અને સારી કમાણી કરે છે. ‘સાઝે સપને’માં શીખ્યા પછી યુવતીઓને પ્રથમ નોકરી 15,000 થી 25,000 રૂપિયા સુધીની મળે છે, અને પછી તેઓ આગળ વધે છે. કેટલીક યુવતીઓને 50,000 થી 80,000 રૂપિયા સુધીના પગારની નોકરીઓ પણ મળી છે.

‘સાઝે સપને’ મહિલાઓને વેબસાઈટ ડિઝાઈન, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને પ્રાથમિક શાળા સ્તરના ગણિતની તાલીમ આપે છે. તેનો ઉદ્દેશ્ય મહિલાઓને ભારતના લગભગ 250 અબજ ડૉલરના આઈટી સેક્ટરમાં રોજગાર મેળવવામાં મદદ કરવાનો છે. અત્યાર સુધીમાં 100થી વધુ યુવતીઓ આ કેન્દ્રમાંથી સ્નાતક થઈ ચૂકી છે. ભાષાની સમસ્યા દૂર કરવા માટે કેન્દ્રમાં સ્થાનિક ભાષાઓનો ઉપયોગ થાય છે. કેન્દ્રમાં પ્રવેશ માટે યુવતીઓએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડે છે, જેમાં અંગ્રેજી અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવે છે. સંસ્થાનો ઉદ્દેશ્ય છે કે સરકારની નીતિઓને અનુરૂપ મહિલાઓને તૈયાર કરવી, જેથી ગામની મહિલાઓને નીતિઓનો લાભ મળે અને સરકારને તેમના કૌશલ્યોનો ફાયદો થાય.

આ પણ વાંચોઃ ડાંગના યુવાને શરૂ કરી પ્રાકૃતિક ખેતી, ત્રણ વર્ષમાં આવક 700 ટકા પાર

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button