અમરેલીમાં સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળતા વનતંત્ર સામે ઉઠ્યા સવાલ
Lion Suspicious body: અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જ વિસ્તારમાંથી આશરે 6 થી 7 માસની ઉંમર ધરાવતા એક સિંહબાળનો શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે. દલખાણીયા ગામની પાસે આવેલા રેવન્યુ ક્ષેત્રમાંથી સિંહબાળનો શવ મળી આવતા જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ટીમમાં ભારે દોડધામ મચી ગઈ હતી. વન વિભાગના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને સિંહબાળના મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો. ત્યારબાદ તેના અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરવાની સાથે-સાથે મોતનું સાચું કારણ જાણવા માટે મૃત સિંહબાળના જરૂરી સેમ્પલ્સ લઈને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
સિંહના મૃત્યુનું અસલી કારણ પોસ્ટમોર્ટમ (પીએમ) અહેવાલ આવ્યા બાદ જ સત્તાવાર રીતે જાણી શકાશે. આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં વન વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ગીર પૂર્વ ડિવિઝનના આ વિસ્તારોમાં ભૂતકાળમાં પણ સિંહોના અકાળે મોતના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે.
ઘટનાસ્થળે વન વિભાગનો કાફલો મોડો પહોંચ્યો હોવાના આક્ષેપો
સ્થાનિક સ્તરે એવા આક્ષેપો ઉઠ્યા છે કે આ ઘટનાની જાણ થવા છતાં વન વિભાગની ટીમ સ્થળ પર ખૂબ મોડી પહોંચી હતી. દલખાણીયા રેન્જના આરએફઓ (RFO) કલાકો વીતી ગયા બાદ ઘટનાસ્થળે હાજર થતાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં પણ તેમના આ વલણ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી હતી. ધારી ગીર પૂર્વ ડિવિઝનના ડીસીએફ (DCF) વિકાસ યાદવે આ સિંહબાળના મોતના સમાચારને સમર્થન આપ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે, સિંહબાળના મૃત્યુ પાછળનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સત્તાવાર રીતે જાણી શકાશે.
દલખાણીયા રેન્જમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ન થતું હોવાની વ્યાપક ચર્ચા
સ્થાનિક સ્તરે વનપ્રેમીઓ અને ગ્રામજનોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે દલખાણીયા રેન્જમાં વન વિભાગ દ્વારા પૂરતું પેટ્રોલિંગ કરવામાં આવતું નથી, જેના કારણે આવી ઘટનાઓ બને છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, ભૂતકાળમાં જ્યારે ગીર પૂર્વ અને પશ્ચિમ બંને ડિવિઝનમાં સિંહોના શંકાસ્પદ મોતના મામલા સામે આવ્યા હતા, ત્યારે ખુદ વનમંત્રીએ આ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જો કે, તે સમયે સિંહોના જે સેમ્પલ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા, તેના રિપોર્ટ હજુ સુધી રાજ્ય સરકાર કે વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી, જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફરી એક વખત સિંહનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં દલખાણીયા રેન્જ વન વિભાગની સક્રિયતા અને તેમની સત્તાવાર કામગીરી પર ગંભીર સવાલો અને શંકાની સોય ચિંધાઈ રહી છે.
એક માસ પૂર્વે જ 8 થી વધુ સિંહોના શંકાસ્પદ મોતના અહેવાલો આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં ગીર પશ્ચિમ ડિવિઝનની બાબરીયા રેન્જ અને પૂર્વ ડિવિઝનની જસાધાર રેન્જમાં થઈને અંદાજે ૮ થી પણ વધુ સિંહોના અકાળે મોત નીપજ્યા હતા. તે સમયે સિંહોમાં ‘બેબેસિયા’ (Babesia) અને ‘સીડીવી’ (CDV – Canine Distemper Virus) વાયરસનો ચેપ ફેલાયો હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી હતી. સિંહોના સતત થઈ રહેલા આ મોતોની ગંભીરતાની ગુંજ છેક દિલ્હી કેન્દ્ર સરકાર સુધી પહોંચી હતી, જેના પગલે રાજ્યના વન મંત્રીએ પણ તાબડતોબ જામવાળા અને જસાધાર ખાતે આવેલા એનિમલ કેર સેન્ટરોની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
31 મેના રોજ વન મંત્રીએ દાવો કર્યો હતો કે ‘પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે’
અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, ગત ૩૧ મેના રોજ વન મંત્રીએ જસાધાર ખાતે આવેલા એનિમલ કેર સેન્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજીને ગીરની પ્રવર્તમાન સ્થિતિની ઊંડી સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠક બાદ તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હાલમાં ગીર વનક્ષેત્રની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને રાહતની વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસથી એક પણ સિંહના મોતના સમાચાર સામે આવ્યા નથી.
31 મેના રોજ મંત્રીશ્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ અંગેની સત્તાવાર જાણકારી આપી હતી.
Today, I Visited Jamwala Rescue Centre, Babariya Forest Range And Jasadhar Animal Care Centre to Review Situation Regarding Recent Infection Detected Among Asiatic Lions. I Held Detailed Discussions With Concerned Officials, Veterinary Experts And Field Teams to Assess Ongoing… pic.twitter.com/iDfBPUSb2h
— Arjun Modhwadia (@arjunmodhwadia) May 31, 2026
આ પણ વાંચો :રામ મંદિર દાન ઘોટાળા પર કેજરીવાલનો આરોપ, કહ્યું, “FIR માત્ર દેખાડો છે, મોટા લોકોને…”












