ખેડૂત પેકેજથી નારાજ અમરેલીના ભાજપ નેતા ચેતન માલાણીનું રાજીનામું

અમરેલી, તા. 8 નવેમ્બર, 2025: ગુજરાત સરકારે દિવાળીના કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને ₹10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. અમરેલીના ભાજપના દિગ્ગજ નેતા અને સાવરકુંડલા APMC ના ડિરેક્ટર ચેતન માલાણી આ પેકેજથી સખત નારાજ થયા છે. ખેડૂતોને પૂરતું વળતર ન મળતું હોવાથી તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) માંથી પોતાનું રાજીનામું આપી દીધું છે.
માલાણીનો આરોપ:
તેમણે કહ્યું કે આ ₹10,000 કરોડનું પેકેજ માત્ર ‘મજાક સમાન’ છે અને તે ખેડૂતોના વાસ્તવિક ખર્ચને પહોંચી વળે તેમ નથી (એક વીઘા જમીનનો ખર્ચ ₹15,000 થી વધુ છે). માલાણીએ સ્પષ્ટ કર્યું કે તેઓ હવે રાજકીય પદને બદલે ખેડૂતોને ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે.
ચેતન માલાણી માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ ખેડૂત હિતના મુદ્દાઓ પર સ્પષ્ટ વલણ ધરાવતા નેતા તરીકે પણ જાણીતા છે. સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી તરીકે તેમનું કાર્યકાળ નોંધપાત્ર રહ્યું છે. સાથે જ તેઓ APMCના ડાયરેક્ટર તરીકે પણ ખેડૂતો સાથે જોડાયેલા અનેક પ્રશ્નોમાં સક્રિય રહ્યા છે.
ચેતન માલાણી પૂર્વ સાંસદ નારણ કાછડીયાના નજીકના માનવામાં આવે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમની પર હુમલો પણ થયો હતો.












