રાજ્યમાં ત્રણ સપ્તાહમાં 6 ખેડૂતોનો આપઘાત: ગુજરાતમાં માવઠા પછી ‘અપમૃત્યુ’નો દોર, ₹10,000 કરોડનું પેકેજ કાગળ પર!

અમદાવાદ, તા. 17 નવેમ્બર, 2025: ગુજરાતમાં આ વખતે કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. અચાનક વરસેલા વરસાદે રાજ્યના 42 લાખ હેક્ટરથી વધુ ખેતીની જમીનને નુકસાન પહોંચાડ્યું છે, અને 16 હજારથી વધુ ગામડાના ખેડૂતો અસરગ્રસ્ત થયા છે. ખેતરોમાં ઊભો પાક નિષ્ફળ જતાં ખેડૂતોના મોંમાંથી જાણે કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આર્થિક રીતે તબાહ થયેલા ખેડૂતો હવે અંતિમ પગલું ભરવા મજબૂર બન્યા છે. છેલ્લાં એકાદ મહિનામાં (લગભગ 25 દિવસમાં) રાજ્યમાં કુલ છ ખેડૂતોએ આપઘાત કર્યો છે. આ આંકડો રાજ્યના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કેટલી હદે કથળી છે તેનો સ્પષ્ટ ખ્યાલ આપે છે.
દેવું અને જીવનનિર્વાહની ચિંતા:
તાજેતરની ઘટનામાં, પાક નિષ્ફળ જવાથી આર્થિક સંકળામણના ભારથી વિસાવદરના ઈશ્વરીયા ગામમાં 42 વર્ષીય ખેડૂત શૈલેષ સાવલિયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. તેમણે આઠ વીઘા જમીનમાં મગફળી, ડુંગળી અને તુવેરનું વાવેતર કર્યું હતું, જે કમોસમી વરસાદમાં ધોવાઈ ગયું. દેવું કેવી રીતે ચૂકવવું અને પરિવારનો જીવનનિર્વાહ કેવી રીતે કરવો તેની ચિંતામાં મુકાયેલા શૈલેષભાઈએ ખેતરમાં જ અંતિમ પગલું ભર્યું હતું.
અપમૃત્યુનો આંકડો ચિંતાજનક:
- શૈલેષભાઈ પહેલા પણ અનેક ખેડૂતોએ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી છે, જેમાં:
- રાજકોટના કોટડા સાંગણીના અરડોઈ ગામના 50 વર્ષીય ખેડૂત દિલીપ વિરિયાએ ઝેરી દવા પીધી.
- વિંછીયાના રેવાણિયા ગામના 49 વર્ષીય ગફારભાઈ ઉનડે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો.
- ભાવનગરના શિહોર તાલુકાના રબારિકા ગામના 65 વર્ષીય વૃદ્ધ ખેડૂતે પણ જીવન સંકેલ્યું.
- દેવભૂમિ દ્વારકાના માનપુર ગામના 37 વર્ષીય કરશનભાઇ વાનોરિયાએ પણ આપઘાત કર્યો.
સહાય પેકેજ ક્યાં છે?
રાજ્ય સરકારે માવઠાના નુકસાન બદલ ₹10,000 કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આટલી મોટી જાહેરાત છતાં હજુ સુધી એકેય અસરગ્રસ્ત ખેડૂતને સહાયની એક કાણી પાઈ પણ ચૂકવવામાં આવી નથી. ખેડૂતો સહાય મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને સહાય ક્યારે મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. કરોડોનું આ પેકેજ પણ જ્યાં સુધી જમીની સ્તરે પહોંચશે નહીં, ત્યાં સુધી ખેડૂતોને આર્થિક રીતે મદદ મળી શકે તેમ નથી.












