અંબાજી ગબ્બર રોપ-વે સેવા 6 દિવસ માટે બંધ, યાત્રિકોને પગથિયાં ચઢીને જવુ પડશે

યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર છે. ગબ્બર પર્વત પર આવેલી રોપવે સેવા આગામી 23 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી 6 દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે. આ નિર્ણય વાર્ષિક મેન્ટેનન્સ અને ટેક્નિકલ ચકાસણીના કારણે લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ અને રોપવે સંચાલક એજન્સીએ યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે.
અંબાજી ગુજરાતનું સુપ્રસિદ્ધ શક્તિપીઠ છે, જ્યાં દરરોજ હજારો માઈભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે. ગબ્બર પર્વત પર આવેલી અખંડ જ્યોત અને દર્શન માટે રોપવે સેવા ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શારીરિક રીતે અસમર્થ ભક્તો માટે ખૂબ ઉપયોગી છે. આ રોપવે 1998થી ચાલુ છે અને તે 363 મીટર લાંબી છે, જે 138 મીટરની ઊંચાઈ પર લઈ જાય છે. આ સમયગાળા દરમિયાન ભક્તોએ ગબ્બર પર જવા માટે પગથિયાં ચઢવા પડશે. આ પગથિયાં ચઢવું શારીરિક રીતે સક્ષમ ભક્તો માટે શક્ય છે, પરંતુ વૃદ્ધો અને બીમારોને મુશ્કેલી પડી શકે છે.
આ મેન્ટેનન્સ કામગીરીમાં રોપવેની તમામ ટેક્નિકલ બાબતોની તપાસ, જરૂરી સુધારા અને સારસંભાળ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ અકસ્માત ન થાય અને સેવા સરળ રહે. 1 માર્ચ, 2026થી રોપવે સેવા પુનઃ શરૂ થશે અને નિયમિત રીતે ચાલુ રહેશે. જે ભક્તો આ સમયગાળામાં અંબાજી આવવાનું આયોજન કરી રહ્યા છે, તેઓએ તેમની યાત્રા અનુસાર પ્લાનિંગ કરવું જરૂરી છે.
આ પણ વાંચો: કચ્છ: હોટલના સાઇનબોર્ડમાં ચોરખાનું: 151 બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, હોટલ સંચાલક ફરાર












