ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આબાન અહેમદના જનાજામાં સામેલ થશે બંને ભાઈ, અલ્હાબાદ હાઈકોર્ટે અલી અને ઉમરને પેરોલ મંજૂર કરી

National News: માફિયા અતીક અહેમદના નાના પુત્ર આબાન અહેમદના જનાજામાં હાજરી આપવા માટે તેના બંને મોટા ભાઈ અલી અહેમદ અને ઉમર અહેમદને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી પેરોલ મંજૂર કરવામાં આવી છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે બંનેની અરજી સ્વીકારી હતી અને સાથે કડક શરતો પણ લાગુ કરી છે.

હાલ ઉમર અહેમદ લખનૌ જેલમાં જ્યારે અલી અહેમદ ઝાંસી જેલમાં બંધ છે. કોર્ટના આદેશ મુજબ બંનેને માત્ર જનાજામાં હાજરી આપવા માટે જ પેરોલ આપવામાં આવી છે. પેરોલ દરમિયાન તેઓ કોઈપણ મીડિયા પ્રતિનિધિ સાથે વાતચીત કરી શકશે નહીં અને પોલીસની દેખરેખ હેઠળ સીધા કબ્રસ્તાન પહોંચશે તેમજ અંતિમવિધિ પૂર્ણ થયા બાદ ફરી જેલમાં પરત ફરશે.

અતીક અહેમદની કબરની બાજુમાં થશે દફનવિધિ

આબાન અહેમદની દફનવિધિ પ્રયાગરાજના કસારી મસારી કબ્રસ્તાનમાં કરવામાં આવશે. આ જ કબ્રસ્તાનમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ, પુત્ર અસદ, પિતા હાજી ફિરોઝ અહેમદ અને પરિવારના અન્ય સભ્યોને દફનાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આબાનની કબર અતીક અહેમદની કબરની બાજુમાં તૈયાર કરવામાં આવી છે.

અકસ્માતમાં થયું હતું આબાનનું મોત

ગુરુવારે ઝાંસી નજીક થયેલા માર્ગ અકસ્માતમાં આબાન અહેમદનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ તેનો મૃતદેહ હાલ પરિવારજનો પાસે રાખવામાં આવ્યો છે, જ્યાં સગા-સંબંધીઓ અને સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે.

કડક પોલીસ બંદોબસ્ત

આબાનના જનાજાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. પેરોલની શરતોનું પાલન થાય તેની જવાબદારી પણ પોલીસ પર રહેશે.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા એકાઉન્ટ Block કે Hack થઈ જાય તો શું કરવું? જાણો Recover કરવાની સંપૂર્ણ રીત
Back to top button