અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: AMC દ્વારા ગેરકાયદે દુકાન તોડવા જતા મહિલાનું અગ્નિસ્નાન; વેપારીઓએ દુકાનો કરી ટપોટપ બંધ

15 ઓગસ્ટ 2025 અમદાવાદ: શહેરના જશોદાનગર પુનિતનગર રેલવે ફાટક નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર દુકાન તોડવા આવતા મહિલાએ અગ્નિ સ્નાન કર્યું હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં દુકાન માલિક મહિલા 80%થી વધુ દાઝી જતા મામલો વધારે બિચક્યો છે.

મહિલાએ અગ્નિસ્નાન વેપારીઓ દુકાનો કરી ટપોટપ બંધ
પ્રાપ્ત થતી વિગતો મુજબ જશોદાનગરના સ્થાનિક નર્મદાબેન કુમાવતે ભાગ્યદેવ કરિયાણા નામની દુકાન ચલાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર દુકાન તોડવા પહોંચતા મહિલાએ પોતાને આગ ચાંપી હતી. સાથે તેમના પરિવારના અન્ય સભ્યોએ પણ આત્મદાહ કરવાની કોશિશ કરી હતી. બનાવ બનતાની સાથે જ તે વિસ્તારના તમામ વેપારીઓએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા GIDC પોલીસ સ્ટેશનએ પહોંચ્યા હતા.

AMCના અધિકારીઓએ કરી દાદાગીરી: વેપારી
સ્થાનિક વેપારીએ આ ગંભીર બનાવને લઈને જણાવ્યું હતું કે મહિલા અગ્નિસ્નાન કરતા 80%થી વધુ દાઝી જતા અત્યારે તેમની હાલત અત્યંત નાજુક છે. તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે સાથે તેમણે AMCનાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઉપર પૈસાની લાંચ માંગતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે એસ્ટેટ વિભાગના અધિકારીઓ અવાર નવાર દુકાન તોડી જવાની ધમકી આપી પૈસાની માંગણી કરે છે. અગાઉ બે લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. અને થોડોક સમય વીત્યા બાદ ફરીથી પૈસાની માંગણી કરી હતી જોકે દુકાનદાર પાસે પૈસાની વ્યવસ્થા ન હોવાથી મહિલાએ અધિકારીઓને સામાન કાઢવા માટેનો સમય માંગ્યો પરંતુ અધિકારીઓએ ત્યાં દુકાનદાર જોડે મારામારી અને દાદાગીરી કરી. જેના કારણે મહિલાએ આવી સ્થિતિમાં કોઈ સાથે ન રહેતા અને રોજગારી ગુમાવવાનો ભય સતાવતા અગ્નિસ્નાન કર્યું

Back to top button