ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: VIP ક્લચર સામે સામાન્ય માણસની લાચારી, ટ્રાફિક જામની સમસ્યા વધુ ગંભીર બની

અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026: શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે. એમાંય જો કોઈ VIP મૂવમેન્ટ થાય કે કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે તો સામાન્ય નાગરિકની લાચારી ચરમસીમાએ પહોંચી જાય છે. આવી પરિસ્થિતિમાં મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે અને લોકો ડાયવર્ઝન અને લાંબી કતારોમાં ફસાઈ જાય છે. એમાંય નોકરીયાત વર્ગને તો સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે તેમને સમયસર ઓફિસ પહોંચવાનુ હોય છે.

જોકે દરરોજની આ સમસ્યા પર લોકોની ચૂપ્પીને જોતા લાગી રહ્યું છે કે લોકોએ હવે આ સમસ્યાને અપનાવી લીધી છે. ત્યારે સવાલ થાય છે કે આ VIP માટેની સુરક્ષા ક્યાં સુધી સામાન્ય માણસના સમય અને ઊર્જાની બલિ ચઢાવશે?

તાજેતરમાં જ અમદાવાદમાં વિવિધ કારણોસર રોડ ક્લોઝર અને VIP પ્રોટોકોલને લીધે ટ્રાફિક જામના અનેક કિસ્સા સામે આવ્યા છે. શહેરમાં ફ્લાયઓવર તો ઘણા બની રહ્યા છે પણ ખરાબ કન્સ્ટ્રક્શનના કારણે રોડ ખરાબ થઈ ગયા છે, ડાયવર્ઝન થાય છે અને પીક અવર્સમાં ટ્રાફિક એટલો સ્લો થઈ જાય છે કે બાઇકવાળા પણ હેરાન થઈ જાય છે.

AMCનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે

ટ્રાફિક ઇન્ડેક્સના એક રિપોર્ટ અનુસાર, શહેરના અનેક મુખ્ય રસ્તાઓ પર AMCનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે, જે ક્યારે પુરુ થશે તે કહેવુ મુશ્કેલ છે. આ અધુરા કામને કારણે ટ્રાફિકની સમસ્યા વધી જાય છે. તેથી હાલ તો તંત્રના અયોજનના અભાવે ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિનો કોઈ રસ્તો દેખાતો નથી.

અમદાવાદમાં હેવી વ્હીકલ્સની એન્ટ્રી પર પ્રતિબંધની વાત ચાલી રહી છે. રિંગ રોડ પર જ તેમને ડાઈવર્ટ કરવાનો પ્લાન છે, જેથી શહેરની અંદર ટ્રાફિક ઓછું થાય. પણ આ પ્લાન 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને બનાવાઈ રહ્યો છે. બીજી તરફ, ડમ્પર અને ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતો વધી રહ્યાં છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે.

VIP કોન્વોયને મિનિટોમાં ક્લિયર રસ્તો મળી જાય છે

છેલ્લા થોડા દિવસોમાં જ SP રિંગ રોડ પર ઝુંડાલ-વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે ડિવાઈડર કટ બંધ થવાથી લોકોએ વિરોધ કર્યો અને મોડી રાતે પણ 3-4 કિમી લાંબો જામ સર્જાયો હતો. આવા કિસ્સાઓમાં સામાન્ય કમ્યુટર્સને ઓફિસ, હોસ્પિટલ કે ઘરે પહોંચવામાં કલાકો લાગી જાય છે, જ્યારે VIP કોન્વોયને માત્ર મિનિટોમાં ક્લિયર રસ્તો મળી જાય છે.

‘VIP ક્લચર’ની આ ઘટના પર સવાલ

થોડા દિવસો પહેલાં સાંજના પીક અવર્સમાં, જ્યારે રસ્તો ધમધમતો હતો ત્યારે રાજ્યના એક મોટા નેતા SG હાઈવે પરથી ગાંધીનગર તરફ નીકળ્યા. તેમના કાફલાની ‘સુરક્ષા’ના નામે બ્રિજ અને મુખ્ય રસ્તાઓ અચાનક બંધ કરી દેવામાં આવ્યા. હજારો કાર, બાઈક અને ઓટોમાં ફસાયેલા સામાન્ય નાગરિકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. VIP કન્વોય તો મિનિટોમાં ક્લિયર રસ્તો મેળવીને આગળ નીકળી ગયો, પણ પાછળ રહી ગયેલી લાઈનમાં લોકોનો ગુસ્સો અને લાચારી વધી ગઈ. અમદાવાદ-ગાંધીનગર કોરિડોર પર આવા ‘VIP ક્લચર’ની આ ઘટનાથી સવાલ ઉભો થાય છે કે શહેરના રસ્તાઓ પર સર્વોચ્ચ અધિકારીઓની સુરક્ષા સામાન્ય જનતાની અસુવિધા કરતાં વધુ મહત્વની કેમ બની જાય છે?

કાર્યક્રમો અને આયોજનોના નામે પણ રસ્તા બંધ

વધુમાં, ગુજરાતમાં નેતાઓના કાર્યક્રમો અને આયોજનોના નામે પણ રસ્તા બંધ કરી દેવામાં આવે છે. પછી ભલે તે કોઈ રેલી હોય, ઉદ્ઘાટન હોય કે VIP મુલાકાત. પીક અવર્સમાં અચાનક મુખ્ય રોડ, બ્રિજ કે હાઈવે બ્લોક થઈ જાય છે, જેથી હજારો સામાન્ય નાગરિકો ટ્રાફિકમાં ફસાઈ જતા હોય છે. આવા આયોજનોમાં અગાઉથી વધુ સારું પ્લાનિંગ, અલ્ટરનેટ રૂટ્સ અને પબ્લિકને એડવાઈઝરી આપવાની જરૂર છે. નહીં તો ‘જનતાના વિકાસ’ના નામે જનતાના રસ્તા જ બંધ થતા રહેશે.

AMC હવે AI આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (ATCS) લાવવાનું વિચારે છે. લગભગ 899 કરોડના આ પ્રોજેક્ટમાં સ્ટેટિક સિગ્નલને AIથી રિપ્લેસ કરવાનું છે. પણ લોકો પૂછી રહ્યા છે કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ સમસ્યા હોય ત્યાં AI કેટલું કામ કરશે? પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવાની વાત થાય છે, મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ સુધારવાની વાત છે, સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારવાની વાત છે. પણ આ બધી માત્ર ખોખલી વાતો જ છે, તંત્ર કોઈ પગલા લેતુ હોય તેમ દેખાતુ નથી.

ટ્રાફિક નિષ્ણાતોનું કહેવું છે કે અમદાવાદમાં 28 લાખથી વધુ રજિસ્ટર્ડ વાહનો અને દરરોજ 1.5 લાખ ફ્લોટિંગ વાહનોને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ થવું જોઈએ. પરંતુ VIP મૂવમેન્ટ દરમિયાન રોડ ક્લોઝર અને ડાયવર્ઝનને લીધે પીક અવર્સમાં જ નહીં, મધરાત્રિએ પણ જામ જોવા મળે છે.

સામાન્ય નાગરિકો પુછી રહ્યાં છે કે…

શું અલ્ટરનેટ રૂટ્સ, બેટર કમ્યુનિકેશન અને અગાઉથી એડવાઈઝરી આપીને આ સમસ્યા ઘટાડી શકાય નહીં? ક્યાં સુધી સામાન્ય માણસ VIP ક્લચર સામે લાચાર રહેશે?

ટ્રાફિક જામ આપણી સહનશીલતાનું પ્રમાણ છે. અમદાવાદમાં પણ લોકોએ જામને “જીવનનો ભાગ” માની લીધો છે. પણ સવાલ એ છે કે, આ VIP કલ્ચર અને ટ્રાફિકની મારામારીમાંથી ક્યારે મુક્તિ મળશે? ક્યારે સામાન્ય માણસનો સમય અને જીવ મહત્વનો બનશે? જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય અને સરકાર યોગ્ય પગલાં નહીં લે, ત્યાં સુધી આ જામ ચાલુ જ રહેશે.

આ પણ વાંચો: વડોદરામાં નશામાં ધૂત બે યુવકોએ ધમાલ મચાવી, જાહેર રોડ પર અપશબ્દો બોલી બાખડ્યા

Back to top button