ગુજરાતટોપ ન્યૂઝ

Ahmedabad: બે બાળકીના શંકાસ્પદ મોતનો કેસ, માતાની ડાયરીમાંથી ચોંકાવનારો ખુલાસો

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી મારુતિ પ્લાઝા સોસાયટીમાં બનેલી બે નિર્દોષ બાળકીના શંકાસ્પદ મોતની ઘટનાએ હવે વધુ ગંભીર વળાંક લીધો છે. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગ તરીકે જોવામાં આવતો આ કેસ હવે અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. ખાસ કરીને માતાની ડાયરીમાંથી મળેલા ઉલ્લેખો અને માતા-પિતાના બ્લડ રિપોર્ટમાં ઝેરી તત્ત્વોની હાજરીએ તપાસને નવી દિશામાં ધકેલી છે.

આ ઘટના ત્યારે બની જ્યારે પરિવાર દ્વારા ઘનશ્યામ ડેરીમાંથી લાવવામાં આવેલ ઢોસાના ખીરાથી બનાવેલા ખોરાકનું સેવન કર્યા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મિશ્રીનું દુઃખદ મોત થયું હતું. શરૂઆતમાં આ મામલો ખોરાક ઝેરી બનવાના સંદર્ભમાં તપાસાયો હતો, પરંતુ હાલની પરિસ્થિતિએ તપાસકર્તાઓને પરિવારની અંદરની પરિસ્થિતિ તરફ પણ ધ્યાન દોર્યું છે.

પોલીસ દ્વારા માતા ભાવનાના ઘરે કરવામાં આવેલી તપાસ દરમિયાન એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના અને શિવ મંદિર ખાતે માનતા રાખ્યાનો ઉલ્લેખ મળ્યો છે. નોંધનીય છે કે આ ડાયરી બીજી દીકરીના જન્મ પહેલા લખાઈ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પરિવારની માનસિક સ્થિતિ અને ઈચ્છાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ સાથે જ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા માતા-પિતાના બ્લડ સેમ્પલમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંક જેવા ઝેરી તત્ત્વોની હાજરી મળી આવતાં કેસ વધુ ગૂંચવણભર્યો બની ગયો છે. આ તત્ત્વો સામાન્ય રીતે જીવલેણ સાબિત થઈ શકે છે, તેથી તેમની માત્રા અને તે શરીરમાં કેવી રીતે પહોંચ્યાં તે મુદ્દે નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે.

પોલીસ પૂછપરછ દરમિયાન પિતા વિમલ પ્રજાપતિનું બ્લડ પ્રેશર અચાનક વધી જતા પૂછપરછ અટકાવવી પડી હતી. સૂત્રો અનુસાર, તપાસકર્તાઓ હવે પરિવારજનોની ભૂમિકા પર પણ શંકાની દ્રષ્ટિએ નજર રાખી રહ્યા છે.

તપાસ દરમિયાન વિમલે પોલીસને જણાવ્યું કે, તેણે 27 માર્ચે ઘઉંમાં નાખવા માટે સેલ્ફોસની 10 પડીકી ખરીદી હતી, જેમાંથી 8 નો ઉપયોગ થઈ ગયો હતો અને 2 પડીકી બાકી હતી. સેલ્ફોસમાં રહેલા ઝેરી તત્ત્વો માનવ શરીર માટે અત્યંત જોખમી હોય છે, તેથી આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

આ કેસમાં FSL અને NFSU જેવી સંસ્થાઓ દ્વારા વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં ત્રણ માસની બાળકી રાહાનો મૃતદેહ અંતિમવિધિ બાદ ચાર દિવસ પછી બહાર કાઢીને ફરીથી તપાસ માટે મોકલવામાં આવ્યો હતો, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.

પોલીસે ઘટનાસ્થળ પરથી ચાદર, વાસણ, બાળકોની દવાઓ સહિતના અનેક પુરાવા કબજે કર્યા છે. સાથે જ, વિમલ પ્રજાપતિ ખીરું લઈને ડેરીથી ઘરે જવા દરમિયાન ક્યાંય રોકાયો હતો કે નહીં તેની તપાસ માટે CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.

ઘનશ્યામ ડેરીના માલિક અને કર્મચારીઓના નિવેદન મુજબ, ખીરું ખાધા બાદ અન્ય કોઈ ગ્રાહકને તકલીફ થઈ નથી, જેના કારણે માત્ર ખોરાકને જવાબદાર માનવો મુશ્કેલ બની રહ્યો છે. પરિણામે પોલીસ હવે ખીરાથી અસર થઈ છે કે ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભર્યું છે, બંને એંગલથી તપાસ કરી રહી છે.

હાલમાં FSL અને વિસેરા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ દુઃખદ ઘટનાની પાછળ ખરેખર શું કારણ હતું.

આ પણ વાંચો: ઉમેદવારની હાજરીમાં EVM ચેક થશે, હાઈકોર્ટનો મોટો નિર્ણય

 

Back to top button