ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

“પેપર લેતી વખતે હાથ પકડ્યો”, અમદાવાદની PTC વિદ્યાર્થીની સાથે અધ્યાપકે કર્યા અડપલા

Education News: શિક્ષણ જગતમાં ફરી એક વાર છેડતીની ઘટના સામે આવી છે. આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. તાલીમી વિદ્યાલય (PTC કોલેજ)માં પ્રથમ વર્ષની પીટીસી વિદ્યાર્થીની સાથે અધ્યાપકે શારીરિક છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થિનીના વાલીએ જણાવ્યું કે પરીક્ષાના પેપર લેતી વખતે અધ્યાપક રોહિત ઉપાધ્યાયે વિદ્યાર્થિનીનો હાથ પકડ્યો હતો.

વિદ્યાર્થીનીએ આ ઘટના અંગે તરત જ તેના વાલીને જાણ કરી હતી. વાલીએ સંસ્થાને ફરિયાદ કરી, પરંતુ શેઠ સી.એન. તાલીમી વિદ્યાલયે 4 દિવસ સુધી કોઈ કાર્યવાહી કરી નહી. વળી, ઘટનાની જાણ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીને પણ કરવામાં આવી નહોતી. આખરે વાલીએ કંટાળીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદની ગંભીરતા સમજીને ડીઈઓએ તરત જ સંસ્થાના મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલને નોટિસ ફટકારી અને ખુલાસો માંગ્યો હતો. સાથે જ અધ્યાપકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપી હતી. ડીઈઓની સૂચના બાદ સંસ્થાએ આરોપી અધ્યાપક રોહિત ઉપાધ્યાયને સસ્પેન્ડ કર્યો છે.

આ ઘટનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થામાં આવી ઘટનાઓને લઈને સુરક્ષા અને વિદ્યાર્થીઓના અધિકારોના મુદ્દે ફરી વાર સવાલો ઉઠી રહ્યા છે. ડીઈઓ કચેરીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આંતરિક તપાસ અહેવાલ પર આધારિત વધુ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

આ ઘટના અમદાવાદના શિક્ષણ વર્તુળમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. વાલીઓએ માંગ કરી છે કે આવી ઘટનાઓમાં તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી જોઈએ જેથી વિદ્યાર્થિનીઓને સુરક્ષિત વાતાવરણ મળી શકે.

આ પણ વાંચો: અમદાવાદ: મર્સિડીઝ ગાડીમાંથી કોહવાયેલો મૃતદેહ મળ્યો, LJ કોલેજ પાસે 6 મહિનાથી પાર્ક હતી કાર

Back to top button