ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: AMC ના બગીચામાં કયાંક CCTV, કયાંક રાતે લાઈટો પણ બંધ રહેતા સ્થાનિકો હેરાન

  • અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં નાના અને મોટા મળી 285 જેટલા બગીચા આવેલા છે
  • ઘણાં બગીચામાં સી.સી.ટી.વી.કેમેરા બંધ તો ઘણાં બગીચામાં કેમેરા લાગેલા નથી
  • બગીચામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વીજપોલમાંથી છેડા જોડાયેલા હોય છે

વાર્ષિક રુપિયા ૧૫ હજાર કરોડથી વધુનુ બજેટ ધરાવતા સ્માર્ટ સિટી વહીવટી તંત્રમાં છીંડા જોવા મળ્યા છે. અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં નાના અને મોટા મળી ૨૮૫ જેટલા બગીચા આવેલા છે. આ પૈકી ઘણાં બગીચામાં સી.સી.ટી.વી.કેમેરા બંધ છે. તો ઘણાં બગીચામાં સી.સી.ટી.વી,કેમેરા લાગેલા નથી. આ અંગે બે મહીના પહેલા કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ વિભાગને લેખિતમાં જાણ કરાઈ હતી.

બગીચામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વીજપોલમાંથી છેડા જોડાયેલા હોય છે

શહેરના બગીચાઓની બીજી કરુણતા એ છે કે, જે બગીચામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વીજપોલમાંથી છેડા જોડાયેલા હોય છે તેવા ભાગમાં આખી રાત લાઈટ ચાલુ રહે છે. બગીચાના બાકીના ભાગમાં રાતના દસ કલાક પછી લાઈટો બંધ થતા અંધારપટ છવાઈ જાય છે. એમ રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ છે. શહેરના ૪૮ વોર્ડના વિવિધ વિસ્તારમાં આવેલા કોર્પોરેશન હસ્તકના બગીચા પૈકી મોટાભાગના બગીચા ૨૪ વર્ષથી ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવાની શરત સાથે એક સહકારી સંસ્થાને આપવામા આવેલા છે.

બગીચાઓમાં લાઈટ અને સિકયુરીટી સહીતની વ્યવસ્થા પણ એમ.ઓ.યુ. મુજબ

સ્વાભાવિક જ બગીચાઓમાં લાઈટ અને સિકયુરીટી સહીતની વ્યવસ્થા પણ એમ.ઓ.યુ. મુજબ તેમણે જ કરવાની રહે છે. સોમવારે મળેલી રિક્રીએશન કમિટીની બેઠકમાં બાપુનગરમાં આવેલા આંબેડકરનગર ગાર્ડનમાં અસામાજિક તત્વોનો ત્રાસ હોવાની ભાજપના કોર્પોરેટરે રજૂઆત કરી હતી. શહેરના અન્ય વિસ્તારમાં આ પ્રકારનો ત્રાસ હોય તેવા બગીચાઓનો સર્વે કરી એવા બગીચાઓમાં ફેન્સીંગ ઉપર રાઉન્ડ ચેનલીંગ કરવા બગીચા વિભાગને સુચના આપવામા આવી હતી.નોંધપાત્ર બાબત એ છે કે, રિક્રીએશન કમિટીના ચેરમેન પોતે કહે છે કે, બે મહીના પહેલા કયા બગીચામાં સી.સી.ટી.વી.કેમેરા બંધ છે. કયા-કયા બગીચામા સી.સી.ટી.વી. કેમેરા લગાવાયા જ નથી એની યાદી આપવામા આવી હતી. બગીચા વિભાગને આ અંગે અપડેટ આપવા પણ કહેવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: માઉન્ટ આબુ જવાના હોય તો આ સમાચાર ખાસ વાંચો, પ્રવાસીઓ પર પ્રતિબંધ!

Back to top button