ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Ahmedabad Rath Yatra 2026 : નાથ નગરચર્યાએ નીકળ્યા, CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી કરી પવિત્ર પહિંદવિધિ

અમદાવાદ: જગન્નાથપુરી પછી દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક તથા પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ, ગુરુવારના રોજ અમદાવાદમાં ધામધૂમથી નીકળી છે. ભક્તોના હૃદયમાં આસ્થાનો જુવાર ઉભરાયો છે અને સમગ્ર નગર ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યું છે.

સવારે 4 વાગ્યે મંગળા આરતીનો દિવ્ય માહોલ

સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ ભગવાનને વિશેષ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો.

ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત ‘પહિંદ’ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવી. સોનાની સાવરણી વડે રથનો માર્ગ સાફ કરતી વખતે મુખ્યમંત્રીએ ભગવાનના ચરણોમાં મસ્તક નમાવી સમગ્ર ગુજરાતની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

ત્રણેય દિવ્ય રથો નીકળ્યા, ભક્તોનું કીડીયારું ઉભરાયું

સવારે સાડા સાત વાગ્યે ત્રણેય દિવ્ય રથો મંદિર પરિસરની બહાર નીકળ્યા અને નાથ નગરચર્યાએ પ્રસ્થાન કર્યું. રથયાત્રા શરૂ થતાં જ ભક્તોની ભીડ ઉમટી પડી. પ્રભુ રોડ પર ભક્તોનું અવિરત કીડીયારું જોવા મળ્યું.

રથયાત્રામાં આગળ ચાલતા ગજારાજાઓ, અખાડાઓ, ભજન મંડળીઓ અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકોનું આકર્ષણ અનોખું છે. સમગ્ર રૂટ પર મગ અને જાંબુના પ્રસાદનું વિતરણ ચાલુ છે.

સુરક્ષાનો પુખ્ત બંદોબસ્ત

રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચ સુપર એલર્ટ મોડ પર છે. ક્રાઈમ બ્રાન્ચે વહેલી સવારથી જ હાઈટેક ‘એન્ટી-ડ્રોન’ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. આકાશમાંથી સતત નજર રાખીને કંટ્રોલ રૂમમાંથી સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ લોખંડી સુરક્ષા વચ્ચે ભક્તો નિર્ભયતાથી આ પરંપરા, આસ્થા અને સામાજિક એકતાના અનોખા ઉત્સવને માણી રહ્યા છે.

આ પણ વાંચો: Horoscope Today: વાંચો તમામ 12 રાશિનું આજનું દૈનિક રાશિફળ

Back to top button