ગુજરાતટ્રેન્ડિંગ

ST અમારી ‘અસલામત’ સવારી? ઘેટા-બકરાની જેમ મુસાફરો ભરવામાં આવ્યા, તંત્ર ઘોર નિંદ્રામાં

Ahmedabad News: અમદાવાદથી ધોળકા અપ-ડાઉન કરતા હજારો મુસાફરો માટે એસટી બસની મુસાફરી અત્યંત કષ્ટદાયક બની રહી છે. એસટી નિગમની ગંભીર બેદરકારી અને અવ્યવસ્થાને કારણે મુસાફરો બસમાં ઘેટા-બકરાની જેમ ભીંસાઈને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ડેપો મેનેજરને વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઇસ્કોન-ધોળકા શટલ બંધ થતા મુસીબત વધી

મુસાફરોની મુખ્ય ફરિયાદ એ છે કે અગાઉ ઇસ્કોનથી ધોળકા વચ્ચે જે શટલ બસ સેવા ચાલતી હતી તે અચાનક બંધ કરી દેવામાં આવી છે. આ રૂટ બંધ થવાના કારણે એક બસમાં બે બસ જેટલી પબ્લિક મુસાફરી કરી રહી છે. ખાસ કરીને નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ જેઓ ડેઇલી અપ-ડાઉન કરે છે, તેમને બસમાં ઊભા રહેવાની પણ જગ્યા મળતી નથી.

અનિયમિત બસો અને અવ્યવસ્થા

ધોળકા રૂટ પર દોડતી બસોનો કોઈ ચોક્કસ સમય ન હોવાથી મુસાફરોને કલાકો સુધી બસ સ્ટેન્ડ પર રઝળવું પડે છે. બસોની અનિયમિતતા અને ભયંકર ભીડને કારણે મહિલાઓ અને વૃદ્ધ મુસાફરોની હાલત વધુ ખરાબ થાય છે. મુસાફરોનું કહેવું છે કે બસમાં સુરક્ષિત રીતે ચઢવું પણ હવે એક પડકાર બની ગયો છે.

ફરી શટલ શરૂ કરવાની માંગ

તંત્રની લાપરવાહી સામે લાચાર બનેલા મુસાફરોએ માંગ કરી છે કે ઇસ્કોનથી ધોળકાની શટલ બસ સેવા તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવામાં આવે. જો બસોની સંખ્યા વધારવામાં નહીં આવે અને સમયપત્રક જાળવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મુસાફરો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ડેપો મેનેજર અને એસટી નિગમ આ રજૂઆતને ગંભીરતાથી લે છે કે કેમ.

આ પણ વાંચોઃ Gujarat: ક્યારેક લેટ તો ક્યારેક ફેલ, મુસાફરો માટે ST બની માથાનો દુ:ખાવો

આ પણ વાંચોઃ આજથી જ વીજળીનું બિલ કરો અડધું! જાણો સરળ ઉપાયો અને બચતની ટ્રિક્સ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button