Gujarat: ક્યારેક લેટ તો ક્યારેક ફેલ, મુસાફરો માટે ST બની માથાનો દુ:ખાવો
Irregularity of Gujarat ST Bus: ગુજરાતમાં જાહેર પરિવહનનો આધાર ગણાતી ગુજરાત એસ.ટી. (Gujarat ST)ની બસ સેવાઓ અંગે છેલ્લા કેટલાક સમયથી ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજગાર, અભ્યાસ કે સારવાર માટે શહેરોમાં અપડાઉન કરતા મુસાફરો માટે બસોના સમય તેમજ અચાનક રદ થતી સેવાઓ મોટી સમસ્યા બની રહી છે.
સમયના પાલનમાં ખામી, મુસાફરોમાં રોષ
રાજ્યના અનેક જિલ્લાઓમાં મુસાફરોનો એક જ સૂર છે કે, એસ.ટી. બસો સમયસર આવતી નથી. ઘણા રૂટ પર બસો મોડી પહોંચે છે, તો ક્યાંક તો બસ આવતી જ નથી. રોજિંદા મુસાફરી કરનારા લોકો કહે છે કે બસના નિર્ધારિત સમય પર સ્ટેન્ડ પર ઉભા રહેવા છતાં કલાકો સુધી રાહ જોવી પડે છે. ખાસ કરીને સવારે અને સાંજે પીક અવર્સમાં આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે.

કોઈ પૂર્વ સૂચના વગર અચાનક બસ કેન્સલ
બસોનું અચાનક રદ થવું એ મુસાફરો માટે બીજી મોટી મુશ્કેલી છે. ઘણા કેસમાં બસ કેન્સલ થવાની કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવતી નથી. પરિણામે મુસાફરોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, જે ખર્ચાળ સાબિત થાય છે. આજની મોંધવારીમાં ટેક્સ ભરતા નાગરિકોને ના છૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. કેટલાક લોકોને તે ન પરવડે પણ કોઈ વિકલ્પ ન હોવાથી લાચારી અનુભવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વિકલ્પો ઓછા છે, ત્યાં આ પરિસ્થિતિ વધુ કઠિન બની જાય છે.
ગ્રામ્ય મુસાફરો પર સૌથી વધુ અસર
ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ, શ્રમિકો અને નોકરીયાત લોકોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના દિવસોમાં પણ બસ સમયસર ન મળતાં તેઓ મોડા પહોંચે છે. કેટલાક કેસમાં તો પરીક્ષા ચૂકી જવાની પરિસ્થિતિ પણ સર્જાઈ છે. શ્રમિકો માટે રોજિંદા કામ પર પહોંચવામાં વિલંબ થવાથી આવક પર સીધી અસર પડે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સરકારના દાવા સામે મેદાની ચિત્ર અલગ
મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે આ સમસ્યા વધુ પડકારજનક બની છે. લાંબા સમય સુધી બસ સ્ટેન્ડ પર રાહ જોવી પડે છે, જ્યાં પૂરતી સુવિધાઓ પણ નથી. સુરક્ષા અને આરામ બંને બાબતોમાં સવાલો ઉભા થાય છે. એક તરફ રાજ્ય સરકાર અને ગુજરાત એસ.ટી નિગમ દ્વારા સમયાંતરે બસ સેવાને વધુ સક્ષમ અને સમયસર બનાવવા દાવા કરવામાં આવે છે. નવા બસો ઉમેરવા, ડિજિટલ સુવિધાઓ લાવવી અને રૂટ વ્યવસ્થા સુધારવા જેવી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ મેદાન પરની હકીકત જુદી જ દેખાય છે. મુસાફરોનું કહેવું છે કે ઘણી જગ્યાએ જૂની બસો જ ચલાવવામાં આવે છે, જે વારંવાર બગડે છે. ડ્રાઈવર અને કંડક્ટરની અછત, ટેક્નિકલ ખામીઓ અને યોગ્ય મોનિટરિંગના અભાવે સમસ્યા વધુ વધી રહી છે.
તંત્રની પડકારજનક પરિસ્થિતિ
પરિવહન નિષ્ણાતોના મત અનુસાર, Gujarat ST છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક અને સંચાલન સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યું છે. ડીઝલના વધતા ભાવ, સ્ટાફની અછત અને બસ ફ્લીટનું યોગ્ય જાળવણી ન થવું જેવા કારણો સેવાઓ પર સીધી અસર કરે છે. મુસાફરોની મુખ્ય માંગ મુજબ સમયસર અને વિશ્વસનીય બસ સેવા ઈચ્છે છે. આ ઉપરાંત બસ કેન્સલ થાય તો તેની પૂર્વ જાણકારી આપવામાં આવે, સમયપાલન સુધારવામાં આવે અને ગ્રામ્ય રૂટ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવે.
અમદાવાદ આવતા મુસાફરોને હાલાકી
નોંધનીય છે કે, અમદાવાદની વાત કરવામાં આવે તો લોકો સાણંદ, ધોળકા, બાળવા, મહેસાણા, હિંમતનગર, ગાંધીનગર, કડી તેમજ કલોલ સહિતના વિસ્તારોમાંથી અપડાઉન કરતા હોય છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ કોઈ કામ અર્થે શહેરમાં એસ.ટી બસમાં મુસાફરી કરતા હોય છે, ત્યારે બસની રાહ જોઈ જોઈને મુસાફરો કંટાળી જાય છે અને હેરાન પરેશાન થઈ જાય છે. ક્યારેક બસ ફેલ થાય છે તો બીજી બસ આવવા પણ વિલંબ થતો હોય છે. જેથી અપડાઉન કરતા લોકો સમયસર તેના સ્થળે પહોંચવામાં મોડું થતું હોય છે.
લોકોનો વિશ્વાસ ધીમે ધીમે ઘટી જશે
ગુજરાતમાં જાહેર પરિવહનની રીઢ સમાન ગુજરાત એસ.ટી નિગમ માટે આ પરિસ્થિતિ ચિંતાજનક છે. ગ્રામ્ય વિસ્તારોના લાખો લોકો માટે બસ સેવા માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સાથે સીધું જોડાયેલી જીવનરેખા છે. જો સમયસર સુધારા નહીં થાય, તો લોકોનો વિશ્વાસ ધીમે ધીમે ઘટતો જશે અને સરકારના દાવા હકીકત સામે વધુ ખોખલા સાબિત થશે.
આ પણ વાંચો : ભારત પાસે પણ સપ્લાય ચેનની ચાવી! હોર્મુર્ઝ સ્ટ્રેટ જેવો જ ‘ચોક પોઈન્ટ’












