ગુજરાત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: કરોડોનું ક્રિપ્ટો કૌભાંડ આચરી 2 વર્ષથી ફરાર આરોપી એરપોર્ટ પરથી ઝડપાયો

અમદાવાદ 17 ફેબ્રુઆરી 2026: અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચે એક મહત્વના ઓપરેશનમાં મુંબઈના દહીસર વિસ્તારમાં કરોડો રૂપિયાનું ક્રિપ્ટો કરન્સી કૌભાંડ આચરી છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલો આ આરોપી સુજીત શંકરરાવ દેવ (ઉં.વ. 47) લોકોના પરસેવાની કમાણી હડપ કરી નરોડા વિસ્તારમાં છુપાઈને રહેતો હતો.

શું હતી સમગ્ર ઘટના?

વર્ષ 2021માં આરોપી સુજીત દેવે તેના અન્ય ભાગીદારો સાથે મળીને મુંબઈના દહીસરમાં “ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટ” નામે એક આકર્ષક ઓફિસ શરૂ કરી હતી. આરોપીઓએ રોકાણકારોને ટૂંકા ગાળામાં તેમના નાણાં ચાર ગણા (400%) કરી આપવાની લોભામણી લાલચ આપી હતી. સામાન્ય લોકો ક્રિપ્ટો કરન્સીના નામે વધુ વળતર મેળવવાની આશાએ આ જાળમાં ફસાયા હતા.

દહીસર અને તેની આસપાસના વિસ્તારોના 100થી વધુ લોકોએ આ સ્કીમમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે, રોકાણકારોના પૈસા જમા થયા બાદ સુજીત અને તેના સાથીદારો ઓફિસ બંધ કરી રાતોરાત ફરાર થઈ ગયા હતા. આ મામલે મુંબઈના દહીસર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને MPID (મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

અમદાવાદમાં આ રીતે ઝડપાયો

મુંબઈ પોલીસથી બચવા માટે આરોપી સુજીત દેવ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેવા આવી ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે કરોડોની છેતરપિંડીનો આ વોન્ટેડ આરોપી અમદાવાદ એરપોર્ટ પર આવવાનો છે. બાતમીના આધારે વોચ ગોઠવીને ટીમે તેને એરપોર્ટ પરથી જ દબોચી લીધો હતો.

આગળની કાર્યવાહી

ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ સુનિયોજિત રીતે લોકો સાથે છેતરપિંડી કરી હતી. હાલ અમદાવાદ પોલીસે આ અંગે મુંબઈ પોલીસને જાણ કરી છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આરોપી સુજીત દેવનો કબજો દહીસર પોલીસને સોંપવામાં આવશે, જેથી કૌભાંડના નાણાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને આ ટોળકીમાં અન્ય કોણ સામેલ છે તેની વધુ વિગતો બહાર આવી શકે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં નવા યુગની શરૂઆત: તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા, BNPની ભવ્ય જીત

Back to top button