ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

બાંગ્લાદેશમાં નવા યુગની શરૂઆત: તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા, BNPની ભવ્ય જીત

નવી દિલ્હીઃ 17 ફેબ્રુઆરી, 2026: બાંગ્લાદેશને તેની નવી સરકાર મળી ગઈ છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતા તારિક રહેમાને આજે વડાપ્રધાન પદના શપથ લીધા છે. વર્ષ 2024માં શેખ હસીના સરકારના પતન અને હિંસા બાદ દેશ લાંબા સમયથી સ્થિર નેતૃત્વની રાહ જોતો હતો. અત્યાર સુધી મોહમ્મદ યુનુસ “મુખ્ય સલાહકાર” તરીકે વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા.

મોહમ્મદ યુનુસનું રાજીનામું

સોમવારે વચગાળાના નેતા મોહમ્મદ યુનુસે પોતાના પદ પરથી રાજીનામું આપી સત્તા નવી ચૂંટાયેલી સરકારને સોંપી દીધી હતી. વિદાય વેળાએ તેમણે જણાવ્યું હતું કે, “લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મૌલિક અધિકારોની જે પ્રક્રિયા શરૂ થઈ છે તે અટકવી જોઈએ નહીં.”

ચૂંટણીમાં BNPનો દબદબો

તાજેતરમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં તારિક રહેમાનની આગેવાની હેઠળની BNPએ શાનદાર વિજય મેળવ્યો છે.

  • BNP: 297 માંથી 209 બેઠકો જીતી.
  • જમાત-એ-ઇસ્લામી: 68 બેઠકો મેળવી.
  • શેખ હસીનાની પાર્ટી ‘અવામી લીગ’ ને આ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કોણ છે તારિક રહેમાન?

તારિક રહેમાનનો જન્મ 20 નવેમ્બર 1965ના રોજ ઢાકામાં થયો હતો. તેઓ પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા અને પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયા-ઉર- રહેમાનના પુત્ર છે. તેઓ 36 વર્ષ પછી દેશના પ્રથમ પુરૂષ વડાપ્રધાન બન્યા છે. તેમણે 17 વર્ષનો દેશનિકાલ ભોગવ્યો છે અને અનેક રાજકીય ષડયંત્રો તેમજ જેલની યાતનાઓ સહન કરી છે. 1990થી રાજકારણમાં સક્રિય તારિકે 1991માં પોતાની માતા ખાલિદા ઝિયાને પીએમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વતન વાપસી

શેખ હસીનાના શાસનકાળમાં તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ 2024ના વિદ્યાર્થી આંદોલન બાદ તેમની વાપસીનો માર્ગ મોકળો થયો. ડિસેમ્બર 2025માં લંડનથી પરત ફર્યા બાદ તેમણે ઢાકા-17 અને બોગરા-6 બેઠકો પરથી ચૂંટણી લડી અને બંનેમાં વિજય મેળવ્યો.

Back to top button