Ahmedabad: પોલીસની હાજરીમાં બજરંગ દળના કાર્યકર પર તીક્ષણ હથિયાર વડે હુમલો

Ahmedabad News: અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં રવિવારે રાત્રે વાહન અડી જવાની એક સામાન્ય બાબતે હિંસક વળાંક લીધો હતો. આ ઘટનામાં અમરાઈવાડીના બજરંગ દળના એક કાર્યકર પર લઘુમતી સમાજના ટોળાએ હુમલો કરી લૂંટ ચલાવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ માધવપુરા પોલીસે આ મામલે 6 થી 7 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, અમરાઈવાડીના સંતોષી નગરમાં રહેતો અને મજૂરી કામ કરતો 21 વર્ષીય આશિષ નાગોરા રવિવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ તેના મિત્ર અમન મિશ્રા સાથે દૂધેશ્વરના મહાકાળી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેનું એક્ટિવા એક વૃદ્ધ સાથે અડી જતાં સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ વકર્યો હતો અને ત્યાં હાજર લઘુમતી સમાજના ટોળાએ આશિષ પર હુમલો કર્યો હતો. આશિષના જણાવ્યા મુજબ, ઝપાઝપી દરમિયાન તેના ખિસ્સામાંથી ₹500-600ની રોકડની લૂંટ પણ ચલાવવામાં આવી હતી.
પોલીસની હાજરીમાં ફરી હુમલાનો આક્ષેપ
આશિષે તુરંત બજરંગ દળના અન્ય સભ્યો અને પોલીસને જાણ કરી હતી. કાર્યકરો અને પોલીસ સ્થળ પર પહોંચ્યા ત્યારે સ્થિતિ વધુ વણસી હતી. બજરંગ દળના કાર્યકરોનો આક્ષેપ છે કે પોલીસની હાજરી હોવા છતાં બેકાબૂ ટોળાએ ફરી હુમલો કર્યો હતો, જેમાં સુનીલ શર્મા નામના કાર્યકરની પીઠ પર તીક્ષ્ણ હથિયાર વડે વાર કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે જ્યારે હુમલો તેજ થયો ત્યારે પોલીસ સ્થળ છોડીને જતી રહી હતી.
પોલીસની સ્પષ્ટતા અને કાર્યવાહી
આ મામલે એસીપી (ACP) વાણી દુધાતે સ્પષ્ટતા કરી હતી કે, સ્થિતિ વધુ ખરાબ ન થાય તે હેતુથી પોલીસ ફરિયાદીને તુરંત ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઈ આવી હતી. હાલમાં પોલીસે એક શકમંદ વ્યક્તિની અટકાયત કરી છે. સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. હાલ વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે પોલીસ સતર્ક છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: Apple 50th Anniversary: ટિમ કૂકે વિશ્વભરના ચાહકો સાથે શેર કરી ઉજવણીની ક્ષણો












